‘’હેરો ઈસ્ટ સુંદર રીતે વૈવિધ્યસભર છે, જેમાં વિશ્વભરના દરેક ધર્મ, પૃષ્ઠભૂમિ અને ભાષા બોલતી કોઈને કોઈ વ્યક્તિ રહે છે. મારા મતવિસ્તારમાં આવી સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરવા બદલ મને ખૂબ જ ગર્વ છે, આ તમામ સમુદાયો એકબીજાની સાથે સુમેળપૂર્વક જીવે છે એમ ‘ગરવી ગુજરાત’ને એક ખાસ મુલાકાતમાં હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સંસદીય ઉમેદવાર બોબ બ્લેકમેને જણાવ્યું હતું.

ભારત, ભારતીયો અને હિન્દુ સમુદાયની સેવાઓ બદલ પદ્મ શ્રીનું બિરૂદ મેળવનાર બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે ‘’ભારતીય સમુદાય હેરો માટે નોંધપાત્ર કરોડરજ્જુ સમાન છે, જેઓ વસ્તીના 37% થી વધુ છે. છેલ્લા 14 વર્ષોમાં સાંસદ તરીકેના મારા સમય દરમિયાન, હું લોકોની ઉષ્મા અને ઉદારતાથી અભિભૂત થયો છું. લોકોએ તેમના ઘરોમાં અને જીવનમાં ખુલ્લા હાથે મારું સ્વાગત કર્યું છે અને ભારતમાં પણ મને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ આપી તેનો બદલો આપવામાં આવ્યો છે. ભારતીય સમુદાયની દયાના બદલામાં, મેં સંસદમાં તેમની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરવા અને તેને ‘ચેમ્પિયન’ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના મંતવ્યો સાંભળવામાં આવે છે તેની ખાતરી કરી છે.’’

તેમણે કહ્યું હતું કે ‘’હું ચેમ્બરમાં ભારત અને ઇસ્ટ આફ્રિકા માટે સતત ઊભા રહેતા થોડા સાંસદોમાંનો એક છું અને ભારત, બ્રિટિશ હિંદુઓ, ઈન્ડો-પેસિફિક સંબંધો, યુકે-ભારત વેપાર અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપના ચેરમેન તરીકેના મારા કાર્ય દ્વારા આ કારણોને ચેમ્પિયન કરવામાં મને ગર્વ છે.’’

શ્રી બ્લેકમેને જણાવ્યું હતું કે ‘’સાંસદ બનતા પહેલા, હું બ્રેન્ટ કાઉન્સિલનો નેતા હતો ત્યારે નીસડન મંદિર અને ઈલિંગ રોડના સનાતન મંદિરના વિકાસ માટે પ્લાનિંગ પરમિશન આપવા માટે જવાબદાર હતો. વધુમાં, ડેનહામમાં ખૂબ જ જરૂરી અનુપમ મિશનના હિંદુ સ્મશાનગૃહને સમર્થન આપવા પ્લાનિંગ ઇન્કવાયરીમાં પુરાવા આપવા માટે હું ઉપસ્થિત હતો. આ સ્થળ સમગ્ર હિંદુ સમુદાય માટે ખૂબ મહત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી એક મોટી સિદ્ધિ છે.’’

તેમણે કહ્યું હતું કે ‘’હું સાંસદ બન્યો ત્યારથી 14 વખત ભારતની મુલાકાત લઇ ચૂક્યો છું જેના 14 મહાન રાજ્યોમાં ફેલાયેલા સૌંદર્ય અને સમૃદ્ધ સંસ્કૃતિનો સૌપ્રથમ સાક્ષી છું. વડાપ્રધાન મોદીના એક મહાન મિત્ર તરીકે, 2016માં તેમની યુકેની મુલાકાત દરમિયાન વેમ્બલી અને સંસદમાં તેમનું સ્વાગત કરતાં મને આનંદ થયો હતો. હું ભારતીય સમુદાય માટે મારું કાર્ય ચાલુ રાખવા માટે, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે તેમના વારસાને ચેમ્પિયન બનાવવા અને તેનું રક્ષણ કરવા માટે આગામી સામાન્ય ચૂંટણીમાં ફરીથી ચૂંટાવાની આશા રાખું છું. કુટુંબ, સખત મહેનત, શિક્ષણ અને સાહસનું મહત્વ જેવા ઘણા કોન્ઝર્વેટિવ મૂલ્યો હિંદુ માન્યતાઓમાં પ્રતિબિંબિત થાય છે. મેં હિંદુ અને જૈન, બંને મેનિફેસ્ટોને સક્રિયપણે સમર્થન આપ્યું છે અને જો હું ફરીથી ચૂંટાઈશ તો સંસદમાં તેનો સક્રિયપણે પ્રચાર કરીશ.’’

શ્રી બ્લેકમેને જણાવ્યું હતું કે ‘’તાજેતરમાં સમુદાયના ઘણા સભ્યો સાથે કેન્ટન સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ હિંદુ વડા પ્રધાન ઋષિ સુનકને આવકારતાં આનંદ થયો. તેમનું પ્રીમિયરશિપ લોકો માટે એક વિશાળ પ્રેરણા તરીકે કામ કરે છે. તે દર્શાવે છે કે તમારી જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના, સખત મહેનતનું ફળ મળે છે.’’

LEAVE A REPLY