(ANI Photo)

બિહારમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બુધવારે તેમની કેબિનેટનું વિસ્તરણ કરી સાત નવા ચહેરાઓને સમાવેશ કર્યો હતો. આ તમામ નવા પ્રધાનો ગઠબંધન ભાગીદાર ભાજપના હોવાથી ગઠબંધનમાં ભાજપના વર્ચસ્વમાં વધારો થયો છે. બીજી તરફ જેડીયુમાંથી કોઇ નવા પ્રધાન બનાવવામાં આવ્યા નથી. કેબિનેટના વિસ્તરણની સાથે કુલ પ્રધાનોની સંખ્યા વધી 36 થઈ છે.

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નવા મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતાં. નવા તમામ પ્રધાનો વિધાનસભાના સભ્યો છે. રાજ્યમાં વિધાન પરિષદ પણ છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ તથા મહેસૂલ અને જમીન સુધારા પ્રધાન દિલીપ જયસ્વાલે એક વ્યક્તિ, એક હોદ્દાની પાર્ટીની નીતિને ટાંકીને કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી આ ગતિવિધિ જોવા મળી હતી.

ઓગસ્ટ 2022 સુધીમાં રાજ્યની કેબિનેટમાં સામેલ રહેલા જીબેશ કુમારનો પણ નવા પ્રધાનમાં સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં ભાજપ પર JD(U)ને તોડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરીને મુખ્યપ્રધાને અચાનક NDAને છોડી દીધું હતું.

કેબિનેટમાં દરભંગામાંથી પાંચ વખત ધારાસભ્ય બનેલા સંજય સરોગી અને સુનિલ કુમારનો સમાવેશ કરાયો હતો. સુનિલ કુમાર બિહાર શરીફનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2015માં ભાજપમાં જોડાતા પહેલા JD(U)ની ટિકિટ પરથી ત્રણ વખત ધારાસભ્ય બન્યાં હતાં. JD(U)નો બીજો ભૂતપૂર્વ ચહેરો મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજના ધારાસભ્ય રાજુ કુમાર સિંહ છે. તેઓ 2020માં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ની ટિકિટ પરથી ચૂંટાયા હતાં. આ પાર્ટી બોલિવૂડના ભૂતપૂર્વ સેટ ડિઝાઇનર મુકેશ સાહનીએ સ્થાપી હતી. VIP કુલ ત્રણ બેઠકો જીતી હતી, પરંતુ તમામ ધારાસભ્યો બે વર્ષ પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. અન્ય એક જાણીતો ચહેરો કૃષ્ણ કુમાર મન્ટુ છે. સારણ જિલ્લાના અમનૌરના આ ધારાસભ્યે તાજેતરમાં પટનામાં કુર્મી ચેતના રેલીનું આયોજન કર્યું હતું.

નવા મંત્રીઓમાંના જીબેશ કુમાર (ભૂમિહાર) અને રાજુ કુમાર સિંહ (રાજપૂત) સવર્ણ જાતિના છે. બિહારમાં આશરે 10 ટકા મતદાતા સવર્ણ છે અને તેઓ ઘણા વર્ષોથી ભાજપના સૌથી વફાદાર મતદારો બની રહ્યાં છે.

LEAVE A REPLY