REUTERS/Anushree Fadnavis

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના મંગળવાર, આઠ ઓક્ટોબરે આવેલા રિઝલ્ટમાં સત્તારૂઢ ભાજપે સતત ત્રીજી ટર્મ માટે ભવ્ય વિજય મેળવી હેટ્રીક મારી હતી. તમામ એક્ઝિટ પોલ, રાજકીય નિષ્ણાતોને ખોટા પાડીને નરેન્દ્ર મોદીની પાર્ટીએ વિજય મેળવતા વિપક્ષ કોંગ્રેસને મોટો આઘાત લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલાથે બહુમતી ન મળ્યાં પછી ભગવા પાર્ટી માટે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આ જીત તેના આત્મવિશ્વાસમાં વધારો કરશે.

હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી ભાજપને 48 બેઠકો મળી હતી અથવા તેના ઉમેદવારો આગળ હતી. બીજી તરફ કોંગ્રેસને 37 બેઠકો મળી હતી અથવા તેના ઉમેદવારો આગળ હતાં. રાજ્યમાં બહુમતી માટેનો આંકડો 45 બેઠકોનો છે અને ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તે નિશ્ચિત બન્યું હતું.

હરિયાણાના પડોશી રાજ્યો દિલ્હી અને પંજાબમાં સત્તા ધરાવતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાજ્યમાં ખાતુ ખોલવામાં પણ નિષ્ફળ રહી હતી.

હરિયાણામાં કોંગ્રેસે તેનો આંચકો સ્વીકાર્યો ન હતો અને ચૂંટણીપંચ પર દોષારોપણ કર્યું હતું. બીજી તરફ ઉત્સાહી ભાજપના નેતાઓએ કોંગ્રેસની હાર માટે તેની આંતરિક જૂથબાજીને કારણભૂત ગણાવી હતી. કોંગ્રેસે દલિત કુમારી શેલજાને બદલે જાટ નેતા ભૂપિન્દર હુડ્ડાને પક્ષની કમાન સોંપી હતી અને વિજયની તેની પૂરી આશા હતી. જોકે જાટ મતોના સંદર્ભમાં અણધાર્યો વળાંક આવ્યો હતો અને જાટ પ્રભુત્વ ધરાવતી ઘણી બેઠકો ભાજપને મળી હતી.

હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં દસ વર્ષથી ભાજપ સત્તા પર છે. લોકસભા ચૂંટણી બાદ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પહેલી મોટી સીધી સ્પર્ધા હતી. હરિયાણાની રાજકીય લડાઈમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, INLD-BSP અને JJP-આઝાદ સમાજ પાર્ટી મેદાનમાં હતી. જો કે મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી.

હરિયાણામાં કોંગ્રેસને ચૂંટણી પહેલા અતિ આત્મવિશ્વાસ હતો, મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ હતી અને કોંગ્રેસના નેતાઓએ જલેબી વહેંચી ઉજવણી પણ ચાલુ કરી દીધી હતી. જોકે આખરે તેને આંચકો લાગ્યો હતો. કોંગ્રેસ મુખ્યાલયમાં શરૂઆતમાં ઉજવણીનો માહોલ હતો, પરંતુ બપોર સુધીમાં ઉદાસીન વાતાવરણમાં બદલાઈ ગયો હતો.

પાર્ટીના કાર્યકર્તાઓ નવી દિલ્હીમાં AICC હેડક્વાર્ટર ખાતે ફટાકડા ફોડતા તથા ‘જલેબી’ અને ‘લાડુ’ વહેંચતા જોવા મળ્યા હતા. સવારે નવ વાગ્યાની આસપાસ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના હેડક્વાર્ટરમાં ડ્રમબીટ્સ ગુંજી ઉઠ્યા હતાં. જો કે, સવારના 10 વાગ્યા પછી મતગણતરીનો ટ્રેન્ડ બદલતા મુખ્યાલયમાં ‘ઢોલ’ અને મીઠાઈઓ અદૃશ્ય થઈ ગઈ હતી. ટૂંક સમયમાં AICC હેડક્વાર્ટર માત્ર મીડિયા કર્મચારીઓ અને કેટલાક પક્ષના નેતાઓ સાથે ઉજ્જડ દેખાવા લાગ્યું હતું. પાર્ટીના કેટલાક કાર્યકરો હાર માટે ઈવીએમને દોષી ઠેરવતા સાંભળવામાં આવ્યાં હતાં, કેટલાકે ટિકિટની વહેંચણીને દોષી ઠેરવી હતી

LEAVE A REPLY