ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે શનિવારે તેના 66 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી હતી. ધનવરથી પક્ષ પ્રમુખ બાબુલાલ મરાંડી અને સરાઈકેલાથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંપઈ સોરેન ચૂંટણી લડશે. પાર્ટીએ જેએમએમના નેતા અને સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેનને જામતારાથી તેના ઉમેદવાર બનાવ્યાં છે. આ યાદીમાં ગીતા કોડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગતના નામ પણ છે.
ભાજપ રાજ્યની 81 વિધાનસભા બેઠકોમાંથી 68 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની બેઠકો એનડીએના ઘટકો પક્ષો માટે છોડી છે. બાબુલાલ મરાંડીએ 2019માં ઝારખંડ વિકાસ મોરચાની ટિકિટ પરથી ધનવર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિજય મેળવ્યો હતો. ચંપઇ સોરેન તાજેતરમાં જેએમએમમાંથી ભાજપમાં જોડાયા છે.