તાજેતરમાં ભારતના બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ તેમજ 13 રાજ્યોમાં વિધાનસભાની 46 અને લોકસભાની બે બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જેના પરિણામોમાં એકંદરે ભાજપનો દેખાવ સારો રહ્યો હતો, તો પેટાચૂંટણીઓમાં કોઈ ખાસ ઉતાર-ચડાવ જણાયા નહોતા.
મહારાષ્ટ્રમાં અપેક્ષાથી વિરૂદ્ધ ભાજપ અને અજિત પવારની એનસીપી તથા શિંદેની શિવસેનાના ગઠબંધને ભારે બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી, જ્યારે ઝારખંડમાં ભાજપના ભરપૂર પ્રયાસો છતાં મતદારોએ હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચાને ફરી સત્તાના સિંહાસને બેસાડ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ 288 માંથી ભાજપને એકલાને જ 132 તથા ગઠબંધનને કુલ 235 બેઠકો મળી હતી, તો વિપક્ષી ગઠબંધનને ફક્ત 49 બેઠકો મળી હતી. ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી હેમંત સોરેના ઝારખંડ મુક્તિ મોરચાને તેના સાથી પક્ષો સાથે 56 તથા ભાજપની આગેવાની હેઠળના એનડીએને ફક્ત 24 બેઠકો મળી હતી.
13 રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોને 46માંથી 26 બેઠકો મળી હતી, તો ખાસ પશ્ચિમ બંગાળમાં તમામ છ બેઠકો ઉપર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે વિજય ધ્વજ લહેરાવ્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 3, સમાજવાદી પાર્ટીને 2 બેઠકો મળી હતી. લોકસભાની બે બેઠકોમાંથી કેરળની વાયનાડ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડ્રાનો જ્વલંત વિજય તથા મહારાષ્ટ્રની નાંદેડ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.
પ્રિયંકાનો વિજય ખાસ ઉલ્લેખનિય છે કારણ કે ચૂંટણીના મેદાનમાં આ તેનો પહેલો જંગ હતો અને પહેલા જંગમાં જ તેણે ભાઈ રાહુલ કરતાં ઘણી મોટી સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો.
આ પરિણામો પછી પણ – મહારાષ્ટ્રમાં શિકસ્તના પગલે કોંગ્રેસના નેતાએ ઈવીએમ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પણ હવે એ મુદ્દો સાવ ધાર વિનાનો, બુઠ્ઠો થઈ ગયો છે. બીજી તરફ ઝારખંડના પરિણામો પણ ઈવીએમ સામેની શંકાને અયોગ્ય ઠરાવે છે.