જમ્મુ કાશ્મીર અને હરિયાણમાં વિધાનસભાની ચૂંટણી પછી મંગળવાર, 8 ઓક્ટોબરે ચાલુ થયેલી મતગણતરીના બપોરે બે વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ હરિયાણમાં ભાજપ સતત ત્રીજી વખત વિજય મેળવવા તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન બહુમતીની નજીક પહોંચ્યું હતું. હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો પર સરસાઈ મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 35 બેઠકો પર આગળ હતી. રાજ્યમાં બહુમતી માટે 45 બેઠકોની જરૂર છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ કુલ 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન 49 બેઠકો પર અને ભાજપ 29 બેઠકો પર આગળ હતો.
મતગણતરીના આ પ્રારંભિક ટ્રેન્ડ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.
હરિયાણામાં છેલ્લાં 10 વર્ષથી ભાજપનું શાસન હતું અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં 10 વર્ષથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ નથી.
સૌથી પહેલા સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ ચાલુ થઈ હતી. આ પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની ગણતરી ચાલુ થઈ હતી.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની 90-90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ. છેલ્લી વખત 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી. 2019માં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે પહેલા ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ, પીડીપી ઉપરાંત અન્ય અનેક પ્રાદેશિક પક્ષોના નેતાઓ ચૂંટણીમાં મેદાનમાં છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રવીન્દ્ર રૈના 2014ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી જીત્યા હતાં. બીજી તરફ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા આ વખતે બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમાંથી એક ગંદરબલ છે, જ્યાં તેમની સીધી સ્પર્ધા પીડીપીના બશીર અહમ મીર સાથે હતી. ઓમર અબ્દુલ્લાની એકમાત્ર અન્ય સીટ બડગામ છે. અહીં તેમની સ્પર્ધા આગા સઈદ મુન્તાજીર મેહદી સાથે હતી.
લોકસભા ચૂંટણી બાદ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પહેલી મોટી સીધી સ્પર્ધા હતી. હરિયાણાની રાજકીય લડાઈમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, INLD-BSP અને JJP-આઝાદ સમાજ પાર્ટી મેદાનમાં હતી. જો કે મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી.