કુલ આઠમાંથી પાંચ એક્ઝિટ પોલમાં અંદાજ વ્યક્ત કરાયો હતો કે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળ સત્તારૂઢ મહાયુતિ ફરી સરકાર બનાવશે. તમામ આઠમાં એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ શાસક ગઠબંધનને રાજ્યમાં 288 વિધાનસભા બેઠકોમાંથી 153 બેઠકો મળી શકે છે, જે 145ના બહુમતીના આંક કરતાં વધુ છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી મહા વિકાસ અઘાડી ગઠબંધનને માત્ર 122 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષો અને અપક્ષોને 12 બેઠકો મળવાનો અંદાજ છે. જોકે એક્ઝિટ પોલના તારણો ઘણીવાર ખોટા પડતા હોય છે અને વાસ્તવિક રિઝલ્ટ 20 નવેમ્બરે જાહેર થશે.
અન્ય ત્રણ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ હતી. આનો અર્થ એવો છે કે કોઈ પણ ગઠબંધનને આગામી સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળશે નહીં. ધ મેટ્રિઝ, ચાણક્ય વ્યૂહરચના, ટાઈમ્સ નાઉ-જેવીસી, પોલ ડાયરી અને પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટી-શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને 122-195 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.
આદિવાસી રાજ્ય ઝારખંડમાં વિધાનસભાની કુલ 81 બેઠકો છે. બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. ઝારખંડમાં મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ હતી. ત્રણ એક્ઝિટ પોલ્સ અનુસાર, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો વિજયી બની શકે છે. એક એક્ઝિટ પોલમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ગઠબંધનની જીતની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બુધવાર, 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સાજે પાંચ વાગ્યા સુધીમાં 58.22 ટકા મતદાન થયું હતું, જ્યારે ઝારખંડની બીજા તબક્કાની 38 બેઠકો પર 67.59 ટકા મતદાન થયું હતું. બન્ને રાજ્યોની ચૂંટણીનું રિઝલ્ટ 24 નવેમ્બરે જાહેર થશે.