જૂનાગઢ મહાનગરપાલિકા તથા 68માંથી 62 નગરપાલિકામાં વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતાં. રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેના પરિણામો 18 ફેબ્રુઆરીએ જાહેર થયા હતાં. આ ઉપરાંત બોટાદ અને વાંકાનેર મ્યુનિસિપાલિટીની મધ્યસત્ર ચૂંટણીનું પણ પરિણામ જાહેર થયું હતું. આમ કુલ 68 નગરપાલિકામાંથી 62માં ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે માત્ર એક નગરપાલિકા સલાયામાં કોંગ્રેસને સફળતા મળી હતી. બાકીની પાંચ નગરપાલિકામાં અન્ય પક્ષોનો વિજય થયો હતો. પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 11 બેઠકો જીતી તેની સંખ્યા સુધારી હતી અને બાકીની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યાં હતાં. આઠ બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી અને આમ 52 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુર એમ ત્રણ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી હતી. ભાજપના કેટલાંક બળવાખોરોને પણ કેટલીક બેઠકો મળી હતી.
આણંદ જિલ્લાની બોરીયાવી, આંકલાવ અને ઓડ એમ ત્રણેય નગરપાલિકાની ચૂંટણીના ભાજપનો વિજય થયો હતો. ઓડમાં 24માંથી 24 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણીમાં 24માંથી 10 બેઠકો પર ભાજપ અને 14 પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતાં. કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતાં. જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો જીત્યા હતાં. બોરીયાવી પાલિકાની 24 બેઠકો પરથી 15 બેઠક ભાજપ, 6 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતાં.બોરીયાવી નગરપાલિકામાં 79.53 ટકા, આંકલાવમાં 79.35 ટકા અને ઓડમાં 67 ટકા મતદાન થયું હતું. તેમજ ઉમરેઠ નગરપાલિકાની પેટા ચૂંટણી માટે 53.75 ટકા મતદાન થયું હતું.
કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો. અમદાવાદ, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણેય બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આશરે 44.32 ટકા મતદાન થયું હતું, જ્યારે 66 નગરપાલિકાની ચૂંટણીમાં 61.65 ટકા મતદાન થયું હતું. બોટાદ અને વાંકાનેર મ્યુનિસિપાલિટીની મધ્યસત્ર ચૂંટણીમાં 35.25 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતોમાં 65.07 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 213 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો હતો.
