અભિનેતા સલમાન ખાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકના નિવાસસ્થાનમાંથી બહાર નીકળે છે. બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ત્રણ હુમલાખોરો દ્વારા મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.(PTI Photo)

મુંબઈમાં તાજેતરમાં એનસીપી નેતા અને બોલિવૂડ કનેક્શન માટે જાણીતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક કથિત ફેસબૂક પોસ્ટ મારફત સ્વીકારી હતી. તેથી પોલીસ આ ગેંગની સંડોવણીની પણ તપાસ કરી રહી છે. આ ફેસબૂક પોસ્ટમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને દાઉદ ઇબ્રાહિમને મદદ કરનારા લોકોને તૈયાર રહેવાની પણ ધમકી આપવામાં આવી હતી.

એક કથિત ફેસબૂક પોસ્ટમાં જણાવાયું હતું કે ઓમ, જય શ્રી રામ, જય ભારત, હું જીવનનો સાર સમજું છું, હું શરીર અને પૈસાને ધૂળ સમજું છું. મેં સારું કાર્ય કર્યું છે. તે મિત્રતાનું કર્તવ્ય હતું. સલમાન ખાન, અમે આ યુદ્ધ ઇચ્છતાં ન હતાં, પણ તે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું હતું, આજે બાબા સિદ્દીકીની શાલીનતાના ઢોંગનો અંત આવ્યો છે, તે એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટ હેઠળ હતો. તેના મૃત્યુનું કારણ દાઉદ અને અનુજ થાપન સાથેની લિન્ક છે. અમારી કોઈની સાથે અંગત દુશ્મની નથી. પરંતુ, સલમાન ખાન કે દાઉદ ગેંગને મદદ કરનાર કોઈપણ તૈયાર રહેવું જોઈએ. જો કોઈ અમારા ભાઈઓને મારશે તો અમે જવાબ આપીશું. અમે ક્યારેય પહેલો પ્રહાર નહીં કરીએ. જય શ્રી રામ, જય ભારત, શહીદોને સલામ. મુંબઈ પોલીસ પોસ્ટની સત્યતાની તપાસ કરી રહી છે.

બીજી તરફ બાબા સિદ્દીકીની હત્યાના મામલે રવિવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું હતું. મહારાષ્ટ્રમાં ચૂંટણી નજીકમાં આવી રહી હોવાથી આ મામલો રાજકીય દુશ્મનાવટનું પરિણામ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરવા માગે છે.

આ મામલે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા હતાં અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા માટે નૈતિક જવાબદારી લેવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. ભાજપે વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે વિપક્ષ હત્યાના મામલે રાજકારણ રમી રહ્યો છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે હત્યાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

પોલીસે બાબા સિદ્દીકીની હત્યાના મામલે 23 વર્ષના ગુરમેલ સિંહ અને અન્ય યુવક ધરમરાજ કશ્યપની ધરપકડ કરીને તેમની પાસેથી બે પિસ્તોલ અને 28 જીવતા કારતુસ જપ્ત કર્યા છે. આ હત્યામાં ધરમરાજ અને શિવા સંડોવાયેલા હોવાની આશંકા છે. તેઓ બંને ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લાના હોવાનું માનવામાં આવે છે. ગુરમેલ સિંહ હરિયાણાનો છે. યુપીના બંને યુવકોનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.

 

LEAVE A REPLY