અમેરિકાની એક ફેડરલ કોર્ટે ગયા સપ્તાહે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં જન્મના આધારે નાગરિકતા ઉપર પ્રતિબંધના પ્રયાસ સામે સ્ટે આપી દીધો છે. આ સ્ટે સાથે એક સદી કરતાં પણ વધારે સમયથી અમલી બંધારણીય અધિકાર રદ કરવાના પ્રેસિડેન્ટના પ્રયાસને એક મોટો ઝડકો લાગ્યો છે. આ નિર્ણય ટ્રમ્પના સૌથી વિવાદાસ્પદ કાર્યકારી આદેશોમાંથી એકના અમલ પર અનિશ્ચિતકાલીન પ્રતિબંધ ફરમાવાયો છે, તેનો અમલ આગામી 19 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં થવાનો હતો. ડિસ્ટ્રિક્ટ જજ ડેબોરા બોર્ડમેને મેરિલેન્ડની એક અદાલતમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે નાગરિકતાના બહુમૂલ્ય અધિકારનો અસ્વીકાર કરવાથી સરભર થઈ શકે નહીં તેવું નુકસાન થશે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પ્રિસિડેન્ટ જન્મના આધારે નાગરિકતાનું રક્ષણ કરે છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ટ્રમ્પનો આદેશ બંધારણના 14મા સુધારા સામે સ્પષ્ટ રીતે સાથે વિરોધાભાસી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની કોઈપણ અદાલતે ક્યારેય પણ પ્રેસિડેન્ટની વ્યાખ્યાનું સમર્થન કર્યું નથી. આ મુદ્દે આ અદાલત પણ પહેલી નહીં હોય. કોર્ટનો આ નિર્ણય અમેરિકાના 22 રાજ્યોની સાથે અન્ય સંગઠનોની અરજી પર આવ્યો હતો જેમણે ટ્રમ્પના કાર્યકારી આદેશને રોકવાની અપીલ કરી છે.
આ પ્રતિબંધ વોશિંગ્ટન સ્ટેટની એક ફેડરલ કોર્ટના જજ દ્વારા ગત જાન્યુઆરીમા ટ્રમ્પના આદેશ પર મૂકવામાં આવેલા 14 દિવસના સ્ટેમાં ઉમેરો કરે છે. આ આદેશમાં અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જોન કફનોરે ટ્રમ્પના આ આદેશની ઝાટકણી કાઢતાં તેને સ્પષ્ટ રૂપે ગેરબંધારણીય ગણાવ્યો હતો. આ સ્ટે પછી તરત જ ટ્રમ્પે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમેરિકન સરકાર આ સ્ટે વિરુદ્ધ અપીલ કરશે.

LEAVE A REPLY