વિશ્વભરમાં ટેરિફની ધમકી આપી રહેલા અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ અને વિશ્વના બીજા દેશોમાંથી ઇંડાની ખરીદી કરવા તત્પર છે. બર્ડફ્લૂના કારણે અમેરિકામાં ઇંડાની તીવ્ર અછત ઊભી થઈ છે અને ભાવ વિક્રમી સ્તરે ઊંચે પહોંચ્યા છે. ઇંડાની અછતને પૂર્ણ કરવા દેશના કૃષિ વિભાગે યુરોપના દેશોનો સંપર્ક કર્યો છે. જોકે સ્વીડન, નોર્વે, પોલેન્ડ જેવા દેશો પાસે નિકાસ કરવા માટે વધારાના ઇંડા ન હોવાનું કહેવાય છે. અમેરિકાના અને યુરોપના ફૂડ સેફ્ટીના ધોરણો પણ જુદા જુદા હોવાથી તે પણ એક મોટો અવરોધ છે. યુરોપમાં પણ એવિયેશન ફ્લુનો પ્રકોપ છે અને ઇસ્ટરના તહેવારો પહેલા ઘરેલુ માગમાં વધારો થઈ રહ્યો છે. બીજી મોટી સમસ્યા અમેરિકાના ફૂડ સેફ્ટીના નિયમો છે. અમેરિકાના ખાદ્ય સુરક્ષા નિયમો અનુસાર તાજા ઈંડાને સેનિટાઈઝ કરીને લાંબો સમય રેફ્રિજરેટરમાં રાખવા જરૂરી છે. આ પછી ગ્રાહકોને વેચાણ કરી શકાય છે. યુરોપિયન યુનિયનમાં સલામતીના ધોરણો મુજબ ગ્રેડ Aના ઇંડાને ધોયા વગર અને લાંબા સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા વગર વેચવામાં આવે છે. ઇંડાના અગ્રણી નિકાસકાર પોલેન્ડની પણ અમેરિકાએ મદદ માગી છે. યુરોપના 27માંથી મોટાભાગના દેશોમાં ઇંડા સાફ કરવામાં આવતા નથી. સ્વીડન અને નોર્વેએ અમેરિકાને જાણ કરી છે કે તેમની પાસે નિકાસ કરવા માટે વધારાના ઇંડા નથી.
