મેલબોર્નના બરવુડમાં વિન્ટન સ્ટ્રીટ પર નવસારી જિલ્લાના બિલિમોરાના મિહિર દેસાઇ નામના યુવકની તેના રૂમ પાર્ટનરે કથિત રીતે ચપ્પાના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. 8 એપ્રિલ બનેલી આ ઘટનાથી ઇન્ડિયન ડાયસ્પોરા અને ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.
મૃતકની ઓળખ 39 વર્ષીય મિહિર દેસાઈ તરીકે થઈ હતી, જે નવસારીના બિલિમોરાના વતની છે અને લગભગ એક દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઇમર્જન્સી સર્વિસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ ઘરમાં રહેતા 42 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો મુજબ કે આરોપી પણ પંજાબ મૂળનો ભારતીય છે.
મિહિર દેસાઇના મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજ ચાલુ કરી હતી. નવસારીના ચીખલી તાલુકાના દેગામ ગામના વતની અને બિલિમોરા આઈટીઆઈ પાછળ યમુના નગર સોસાયટીમાં વર્ષોથી રહેતો મિહિર મુકેશભાઈ દેસાઈ નામનો યુવક એક દાયકા અગાઉ ઓસ્ટ્રેલિયા ગયો હતો. પત્ની સાથે છૂટાછેડા બાદ ત્યાં એકલો જ રહેતો હતો. બીજી તરફ પરિવારમાં પિતા મુકેશભાઈનું નિધન થતા બિલિમોરામાં તેની માતા માયાબેન એકલા જ રહે છે. મિહિરની બહેન પાયલ લગ્ન બાદ છેલ્લા ત્રણેક વર્ષોથી જર્મનીમાં વસવાટ કરે છે. મિહીર દેસાઈ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બરવુડ નામના વિસ્તારમાં ચારેક મિત્રો સાથે ભાડાનાં મકાનમાં રહેતો હતો. મંગળવારે રાત્રે મિત્રો પાર્ટી કરી રહ્યા હતા. જેમાં કોઈક વાતે રૂમ પાર્ટનર પંજાબી મિત્ર સાથે બોલાચાલી થઈ હોવાનું કહેવાય છે. જેને પગલે ઉશ્કેરાયેલા પંજાબી યુવકે ચપ્પુના ઘા ઝીંકી દેતા મિહિરનું કરુણ મોત નિપજ્યું હતું.
