સુપ્રીમ કોર્ટે બુધવારે મુંદ્રા પોર્ટ નજીક અદાણી ગ્રૂપની કંપનીની આપવામાં આવેલી લગભગ 108 હેક્ટરની ગૌચર જમીન પરત લેવાની પ્રક્રિયા પૂરી કરવાના રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટ આપેલા આદેશ પર સ્ટે મૂક્યો હતો.
ન્યાયના હિતમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકવો જરૂરી છે તેવી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ)ની અપીલની નોંધ લઈને જસ્ટિસ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે નોટિસ જારી કરો. આદેશ પર સ્ટે રહેશે.
5 જુલાઈના રોજ, રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી હતી કે તે 2005માં અદાણી ગ્રુપની કંપનીને આપવામાં આવેલી લગભગ 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે.
કચ્છ જિલ્લાના નવીનાલ ગામના લોકોએ અદાણી ગ્રુપની કંપનીને 231 એકર ગૌચર જમીન ફાળવવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. રાજ્યના મહેસૂલ વિભાગે 2005માં જમીનની ફાળવણી કરી હતી, પરંતુ APSEZએ તેને મળેલી ગૌચર જમીન પર ફેન્સીંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની છેક 2010માં જાણ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર APSEZને 276 એકર જમીનમાંથી 231ની ફાળવણી બાદ ગામ પાસે માત્ર 45 એકર ગૌચરની જમીન બચી છે. ગામના લોકોએ એવી પણ દલીલ કરી હતી કે આ પગલું ગેરકાયદેસર હતું, કારણ કે ગામમાં પહેલેથી જ ગૌચરની જમીનની અછત છે અને આ જમીન એક સાર્વજનિક સંશાધન છે.