આરોગ્ય અંગેની ચિંતાને પગલે ચારેતરફથી ભીંસમાં મુકાયેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને આખરે 5 નવેમ્બર 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખસી જવાની રવિવારે જાહેરાત કરી હતી અને ડેમોક્રેટિક પાર્ટીના નવા નોમિની તરીકે ભારતીય-આફ્રિકન મૂળના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને સમર્થન આપ્યું હતું. અમેરિકામાં પાંચ નવેમ્બરે ચૂંટણીના હવે ચાર મહિના બાકી છે ત્યારે 81 વર્ષના બાઇડને આ મોટો નિર્ણય કર્યો હતો.
બગડતી તબિયતને કારણે રેસમાં હટી જવાના દબાણ વચ્ચે બાઇડન કોરોનામાં પણ પટકાયા છે. હાલમાં તેઓ તેમના ડેલવેર ખાતેના નિવાસસ્થાનમાં સેલ્ફ-આઇસોલેશનમાં છે.
ગયા મહિને રિપબ્લિકન હરીફ અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ધબડકો કર્યા પછી બાઇડન પર ડેમોક્રેટ્સ નેતાઓ સહિતના તમામ વર્ગના લોકો પ્રેસિડન્ટની રેસમાંથી ખસી જવાનું દબાણ કરતાં હતાં.
બાઇડને એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે “આજે હું કમલાને આ વર્ષે અમારી પાર્ટીના નોમિની બનવા માટે મારું સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું. ડેમોક્રેટ્સ પાર્ટી માટે એકજૂથ થઈને અને ટ્રમ્પને હરાવવાનો આ સમય છે. ચાલો આવું કરીએ”
બાઇડને રેસમાંથી બહાર નીકળવાની ઘોષણા કર્યા પછી સીએનએન સાથેના ફોન કૉલમાં ટ્રમ્પે બાઇડને ” દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રેસિડન્ટ” તરીકે વર્ણવ્યા હતાં.
ફરીથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત પછી તરત જ હાઉસ સ્પીકર માઇક જોન્સને બાઇડનને પ્રેસિડન્ટ પદેથી રાજીનામું આપવાનો અનુરોધ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીના અગ્રણી નેતા જોન્સને X પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જો જો બાઇડન પ્રેસિડન્ટની ચૂંટણી લડવા માટે યોગ્ય નથી, તો તેઓ પ્રેસિડન્ટ તરીકે સેવા આપવા માટે યોગ્ય નથી. તેમણે તાત્કાલિક પદ પરથી રાજીનામું આપવું જોઈએ. 5 નવેમ્બરની ચૂંટણીનો હજુ ઘણી વાર છે.
બાઇડન ઝુંબેશના સહ-અધ્યક્ષ સેડ્રિક રિચમોન્ડે કહ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડને રેસમાંથી બહાર થયા પછી હેરિસને સમર્થન આપીને યોગ્ય નિર્ણય કર્યો છે. હેરિસ 2021થી યુએસ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ 2021માં અમેરિકાની પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાઈ વાઇસ પ્રેસિડન્ટ બન્યાં હતાં. રિચમન્ડે 59 વર્ષીય વાઇસ પ્રેસિડન્ટને સપોર્ટ આપવાની જાહેરાત કરી હતી, જોકે આગામી દિવસોમાં કેમ્પેઇનની નવી વ્યૂહરચના ઘડવી પડશે.
ફરી ચૂંટણી ન લડવાના નિર્ણયની જાહેરાત કરતાં બાઇડને જણાવ્યું હતું કે “મારા સાથી ડેમોક્રેટ્સ, મેં નોમિનેશન ન સ્વીકારવાનો અને પ્રેસિડન્ટની બાકીની ટર્મ માટે મારી ફરજો પર મારી તમામ શક્તિઓ કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. 2020માં પાર્ટીના ઉમેદવાર તરીકે મારો પહેલો નિર્ણય કમલા હેરિસને મારા ઉપપ્રમુખ તરીકે પસંદ કરવાનો હતો અને મેં લીધેલો નિર્ણય શ્રેષ્ઠ હતો.”
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા છ ફકરાના ઓપન લેટરમાં સાથી અમેરિકનોને સંદેશ આપતા બાઇડને જણાવ્યું હતું કે “તમારા પ્રેસિડન્ટ તરીકે સેવા આપવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. ફરી ચૂંટણી મેળવવાનો મારો ઈરાદો હતો, પરંતુ હવે હું માનું છું કે મારી ઉમેદવારી છોડવી અને પ્રેસિડન્ટ તરીકે મારી બાકીની મુદત માટે મારી ફરજો નિભાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું તે મારા પક્ષ અને દેશના શ્રેષ્ઠ હિતમાં છે.”
એક પેજના પત્રમાં પ્રેસિડન્ટ તરીકે સિદ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે “આજે, વિશ્વમાં અમેરિકાનું અર્થતંત્ર સૌથી મજબૂત છે. અમે વરિષ્ઠો નાગરિકો માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓના ખર્ચમાં ઘટાડો કરીને અને વિક્રમજનક સંખ્યામાં અમેરિકનો સુધી પોસાય તેવી આરોગ્ય સંભાળની સેવાનું વિસ્તરણ કરવા માટે ઐતિહાસિક રોકાણ કરીને રાષ્ટ્રનિર્માણ કર્યું છે. તેમની સરકારે 30 વર્ષમાં પ્રથમ ગન સેફ્ટી કાયદો પણ પસાર કર્યો હતો. બાઇડને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસનો આભાર માનતા કહ્યું હતું કે તેઓ “અસાધારણ ભાગીદાર” છે.