પ્રેસિડેન્ટ જો બાઇડેને શનિવારે સવારે “અમેરિકન રિલીફ એક્ટ, HR 10545” પર હસ્તાક્ષર કર્યા, જે ક્રિસમસ પહેલા સરકારી શટડાઉનને અટકાવે છે અને 14 માર્ચ સુધી ભંડોળની ખાતરી આપે છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને રજાઓની મુસાફરીને અસર કરી શકે તેવા વિક્ષેપને ટાળવા માટે ધારાસભ્યોની પ્રશંસા કરી હતી આમ થયું હોત તો લાખો ફેડરલ કર્મચારીઓને ક્રિસમસ બગડી હોત.
જો કે, AHLAએ જણાવ્યું હતું કે વર્ષના અંતના સોદામાં લોજિંગ ફીની પારદર્શિતાની જોગવાઈઓને બાકાત રાખવામાં આવી હતી,જેના માટે હોટેલ ઉદ્યોગ સંગઠનોએ હિમાયત કરી હતી.
“મેં તાજેતરમાં જ સહી કરેલું દ્વિપક્ષીય ભંડોળ બિલ શટડાઉન ટાળે છે અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના પુનઃનિર્માણ માટે તાત્કાલિક જરૂરી આપત્તિ રાહત અને ભંડોળ પહોંચાડે છે,” એમ બાઇડેને જણાવ્યું હતું. “આ કરાર સમાધાનનું પ્રતિનિધિત્વ કરે છે, જેનો અર્થ છે કે કોઈપણ પક્ષને તે જે જોઈતું હતું તે બધું મળ્યું નથી, પરંતુ તે રિપબ્લિકન દ્વારા માંગવામાં આવેલા અબજોપતિઓ માટે ઝડપી કરવેરા કાપને નકારી કાઢે છે અને ખાતરી કરે છે કે સરકાર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખી શકે છે. તે અમેરિકન લોકો માટે સારા સમાચાર છે, ખાસ કરીને તે પરિવારો માટે જે ક્રિસમસને આનંદપૂર્વક માણવા માંગે છે.”
આ સહી વાવાઝોડાની અને અન્ય કુદરતી આફતો માટે આપત્તિ રાહતમાં $100 બિલિયન પ્રદાન કરે છે અને ખેડૂતોને $10 બિલિયનની સહાય ફાળવે છે. ગૃહના 336-34 પાસને પગલે સેનેટે શનિવારે વહેલી સવારે 85 વિ. 11 મત સાથે બિલને મંજૂરી આપી હતી.