ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ફરીથી મુખ્યપ્રધાન બન્યાં હતાં.
એક સત્તાવાર રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે પટેલે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિકાસ યાત્રાને સતત આગળ વધારીને ગુજરાતમાં સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે.અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાતે G20 મીટિંગની સફળ યજમાની અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ સહિત નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે.રાજ્ય હવે સેમિકન્ડક્ટર્સ અને રિન્યુએબલ એનર્જી માટે હબ બનવાના માર્ગ પર છે. આ ત્રણ વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે 11 મુખ્ય નીતિઓ રજૂ કરી છે, જે નીતિ આધારિત રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ત્રણ વર્ષની સમર્પિત સેવામાં, તેમણે અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે.
તેમના કાર્યકાળના મુખ્ય પ્રોજેક્ટ્સમાં ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી તેમજ આઇટી/આઇટી, સ્પોર્ટ્સ, ડ્રોન અને સેમિકન્ડક્ટર્સ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.