લેસ્ટરના 80 વર્ષીય ભીમ સેન કોહલીનું તા. 1 સપ્ટેમ્બરના રોજ બાળકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરાયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થતા 14 વર્ષના કિશોર પર આરોપ મૂકવામાં આવ્યો છે. ભીમ સેન કોહલીનું ગંભીર ઇજાઓને કારણે એક દિવસ પછી મૃત્યુ થયું હતું.

લેસ્ટર નજીક બ્રાઉનસ્ટોન ટાઉનમાં રહેતા ભીમ સેન કોહલી તેમના કૂતરા રોકીને ફ્રેન્કલિન પાર્કમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના ઘરની નજીક હુમલો કરાયો હતો. ઘર પાસે હંગામો થતાં તેમની પુત્રી સુસાન કોહલી દોડી ગઇ હતી અને તેને ભીમ સેન ઝાડ નીચે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ગરદન અને કરોડરજ્જુ પર સર્જરી કરવા છતાય ભીમ સેનનું સોમવારે રાત્રે ઇજાઓના કારણે મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી કિશોર, 14 વર્ષની  છોકરી, 12 વર્ષના એક છોકરા અને  બે અન્ય છોકરીઓની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી હતી. પરંતુ તે બધાએ 14 વર્ષના છોકરાને અટકાવ્યો હોવાનું જણાતા મંગળવારની રાત્રે આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે પોલીસની પુરાવાની ફાઇલની સમીક્ષા કર્યા બાદ 14 વર્ષના છોકરા સામે હત્યાના આરોપને અધિકૃત કર્યો હતો જેને ગુરુવારે સવારે લેસ્ટર યુથ કોર્ટમાં હાજર કરાશે.

મૂળ પંજાબ, ભારતના કોહલી પરિવારે કહ્યું હતું કે “ભીમ એક પ્રેમાળ પતિ, પિતા અને દાદા તથા  એક પુત્ર, ભાઈ અને કાકા પણ હતા. તેમના પૌત્ર-પૌત્રીઓને તેઓ હૃદયથી પ્રેમ કરતા અને તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરતા હતા. તેઓ ખરેખર એક પ્રેમાળ અને સંભાળ રાખનાર વ્યક્તિ હતા, જેમનું જીવન તેના પરિવારની આસપાસ કેન્દ્રિત હતું. તેઓ  80 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સક્રિય હતા. અમારો પરિવાર 40 વર્ષથી બ્રાઉનસ્ટોનમાં એક જ ઘરમાં રહે છે, તેથી તેઓ સમુદાયમાં ખૂબ જ જાણીતા હતા. અમારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું છે.”

પોલીસે જણાવ્યું હતું કે પીડિત સાથેના અગાઉના સંપર્કને કારણે તેમણે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) ને સ્વૈચ્છિક રીતે કેસ રીફર કર્યો હતો.

ભીમ સેન કોહલી સ્થાનિક સમુદાયમાં તેઓ ગાર્ડનીંગની કુશળતા માટે જાણીતા હતા અને દરરોજ તેમના પ્લોટની સંભાળ લેવા જતા હતા. તેમના બ્યુટીફૂલ એલોટમેન્ટને ઘણા સ્થાનિક પુરસ્કારો મળ્યા હતા.

સ્થાનિક કન્વીનીયન્સ શોપ ચલાવતા વિજય છગનલાલે જણાવ્યું હતું કે, “અમને બાળકોના ખરાબ વર્તનની સમસ્યા કનડે છે. તેઓ બુકાનીઓ પહેરીને બૂમો પાડે છે અને ફોન બૂથ અને બસ સ્ટોપ પર ચઢી કાચ પર મુક્કા મારી તોડવાનો પ્રયાસ કરે છે.”

અન્ય પેન્શનરે પણ આ દાવાને સમર્થન આપતા કહ્યું હતું કે આ વિસ્તારમાં આવી મુશ્કેલી “સામાન્ય” બની ગઈ છે.

LEAVE A REPLY