ભારતીય વિદ્યા ભવન, લંડન ખાતે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભારતના હાઇ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોર્ડ ધોળકિયા ઓબીઈ ડીએલ, સાંસદ બેરી ગાર્ડિનર, હેમરસ્મિથ અને ફુલહામના ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર ડેરિલ બ્રાઉન, લેડી ધોળકિયા સ હિત ભારતીય સમુદાયના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય ભાષણમાં શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ ભારતના પ્રજાસત્તાક દિવસના મહત્વ પર પ્રકાશ પાડી ભારતના તમામ નાગરિકો માટે સમાનતા સુનિશ્ચિત કરવામાં બંધારણની ભૂમિકા અને ભારતની નોંધપાત્ર પ્રગતિ વિષે વાત કરી હતી. તેમણે ભારત દ્વારા જાળવી રાખવામાં આવતું ખુલ્લાપણું, વિવિધતા અને સમાવેશકતાના મૂલ્યો પર ભાર મૂકી કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં 50 વર્ષથી વધુ સમયથી ઉત્કૃષ્ટ કાર્ય માટે ભવનની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભવનનાં અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ ભવન અને ભારતના વિકાસ અને સફળતા વિષે માહિતી આપી શ્રી દોરાઇસ્વામી, મહાનુભાવો અને ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમર્થનમાં માટે એકત્ર તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ભવનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વતંત્રતા સંગ્રામો માટે આદર જગાડે તેવા દેશભક્તિ ગીત અને નૃત્યોના રૂપમાં ભારતીય સાંસ્કૃતિક વારસાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

કાઉન્સિલર ડેરિલ બ્રાઉને ભવનને શિક્ષણ અને સંસ્કૃતિ માટેના કેન્દ્ર તરીકે પ્રશંસા કરી સ્થાપનાના પાંચ દાયકાના વારસાની ઉજવણી કરી હતી. લોર્ડ ધોળકિયાએ ભવનની ઐતિહાસિક યાત્રા, ઓક્સફર્ડ સ્ટ્રીટથી હાલના સ્થળ સુધીના પ્રવાસ અને કલા – સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં ભવનની ભૂમિકાની સરાહના કરી હતી. સાંસદ બેરી ગાર્ડિનરે ભવનને યુકેમાં “ભારતનું એક ટીપું” ગણાવી યુકેમાં ભારતીય સંસ્કૃતિ અને કલાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના સમાપન પ્રસંગે ભવનના ટ્રસ્ટી અને માર્કેટિંગ સબ-કમિટીના વડા વિનોદ ઠકરારે શ્રી વિક્રમ દોરાઈસ્વામી અને હાઈ કમિશનના સમર્થન બદલ આભાર માની સૌ મહેમાનો તથા ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY