સંસ્કૃતી સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્હીના સહયોગથી સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે લંડનના ધ ભવન ખાતે આર્ટ્સમાં સંસ્કૃત- આદ્ય પૂજ્યનું આયોજન કર્યું હતું.
વિશ્વમાં પ્રથમ વખત મુદ્ગલ પુરાણની ગણેશાવતાર સ્તોત્રની રચના નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. 38 યુવાન અને પ્રોફેશનલ કલાકારોએ આકર્ષક સંગીત અને નૃત્ય પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
ડૉ. એમ.એન. નંદકુમારા, ડૉ. ઋષિ હાંડા, તેજેન્દ્ર શર્મા અને કાઉન્સિલર કાર્તિક બોંકુર અને કાઉન્સિલર શરદ ઝા દ્વારા દીપ પ્રાગટ્ય પછી, જાણીતા કલાકાર પ્રમોદ રુદ્રપટ્ટનાએ મૃદંગમ પર સતીષ ગુમ્માદવેલીની સાથે વીણા વાદન રજૂ કર્યું હતું. ભારત તરફથી એવોર્ડ વિજેતા શાયરી પ્રિયા મેઘે નૃત્ય રજૂ કર્યું હતું. તો શ્રેયા ખરે અને કૃતિકા વુલ્ચીએ ગણપતિ કૌત્વમ રજૂ કર્યું હતું.
ગણેશજીના આઠ સ્વરૂપોની વાર્તા ભરતનાટ્યમ, ઓડિસી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, કાવડી નૃત્ય શૈલીમાં રજૂ કરવામાં આવી હતી અને તેમાં કલારીપયટ્ટુ માર્શલ આર્ટ મૂવમેન્ટનો સમાવેશ થાય છે. અન્વી પ્રભુ, હૃષીકેશ કિઝિક્કીલ, લક્ષ્મી પિલ્લઈ, મંજુ સુનીલ, મોનિદિપા સીલ, રાગસુધા વિંજામુરી, સાન્વિકા કોમિનેની અને શ્રી લલિતા કોટલા દ્વારા ભજવવામાં આવેલ, મત્સરાસુર, અહંકારસુર, ક્રોધાસુર, મદાસુર, લોભાસુર વગેરે જેવા રાક્ષસોની વાર્તાઓએ રસ જગાવ્યો હતો.