પ્રોફેસર રવિન્દ્ર ધીર OBE ના પત્ની ભારતી ધીરનું 1લી જુલાઈ 2024 ના રોજ શાંતિપૂર્ણ રીતે પરિવારના સદસ્યોની હાજરીમાં અવસાન થયું છે. તેઓ એક અસાધારણ, પ્રેરણાદાયી, આદરણીય અને પ્રશંસનીય મહિલા હતા.

ભારતીનો જન્મ 1938માં જોહાનિસબર્ગમાં થયો હતો. અને તેઓ ત્યાં ગુજરાતી સમુદાયના અમૂલ્ય અને અભિન્ન અંગ હતા. 7 ભાઈ-બહેનોમાંના એક ભારતીબેને પિતા ત્રિકમ નરેનની આગેવાની હેઠળ જથ્થાબંધ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો જે સતત ખીલે છે.

18 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા યુકે આવ્યા બાદ, ભારતી શિક્ષિકા તરીકે લાયકાત મેળવનાર ભારતીય વારસાની પ્રથમ મહિલાઓમાંના એક હતા. 1964માં તેમણે શેફિલ્ડમાં રવિન્દ્ર ધીર સાથે લગ્ન કર્યા હતા જ્યાં પ્રથમ પુત્રી નમ્રતાનો જન્મ થયો હતો. રવિન્દ્રની ડંડી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના લેક્ચરર તરીકે નિમણૂક થતાં તેઓ ડંડી રહેવા ગય હતા જ્યાં બીજી પુત્રી અનુજા અને પછી પ્રતિમાનો જન્મ થયો હતો.

ધીર પરિવારે સ્કોટિશ એશિયન અને બિઝનેસ સમુદાયોમાં કેન્દ્રિય ભૂમિકા ભજવી હતી અને ગ્રાબા પર્ફોર્મન્સ, દિવાળી શો અને ભારતીય રસોઈ સેશન્સ જેવા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

કર્કટન હાઇસ્કૂલમાં હોમ ઇકોનોમિક્સના ડેપ્યુટી હેડ તરીકે ભારતીબેને દરેક જીવન પર કાયમી અસર છોડી હતી. ભારતી અને તેમના પતિ 2003માં બર્મિંગહામ પુત્રીઓની નજીક રહેવા ગયા હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન, ભારતીએ બર્મિંગહામ અને ડંડીમાં ગુજરાતી સમુદાયના આધારસ્તંભ બનીને તેમના ગુજરાતી વારસાનું સન્માન કર્યું હતું. તેઓ 1968માં ગરવી ગુજરાત પ્રથમ વખત પ્રકાશિત થયું ત્યારથી તેના ઉત્સુક વાચક હતા.

તેઓ પોતાની પાછળ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

LEAVE A REPLY