REUTERS/Adnan Abidi/File Photo

ભારતની ભારતી એન્ટરપ્રાઇઝે જાણીતી બ્રિટિશ બ્રાન્ડ બીટી ગ્રુપનો 24.5 ટકા હિસ્સો 3.2 બિલિયન પાઉન્ડ (આશરે 4 બિલિયન ડોલર)માં ખરીદવાની સોમવાર 12 ઓગસ્ટે જાહેરાત કરી હતી. ભારતીય ટેલિકોમ કંપની આ હિસ્સો બીટી ગ્રૂપના સૌથી મોટા શેરહોલ્ડર પેટ્રીક દ્વાહી પાસેથી હસ્તગત કરશે. ફ્રાન્સ સ્થિત પેટ્રીક દ્વાહીનું અલ્ટીસ ગ્રુપ હાલમાં ઊંચા દેવાને કારણે નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

ભારતી એરટેલ બ્રાન્ડ ધરાવતી ભારતી એન્ટપ્રાઇઝ સાઉથ એશિયા અને આફ્રિકા સહિતના 17 દેશોમાં ટેલિકોમ સેવા પૂરી પાડે છે. કંપનીએ જણાવ્યું હતું કે બ્રિટનની સૌથી મોટી બ્રોડબેન્ડ અને મોબાઇલ કંપનીનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા માગતી નથી. તેને પહેલેથી જ 9.99% હિસ્સો ખરીદ્યો છે, પરંતુ તે બાકીનો 14.51% હિસ્સો ખરીદે તે પહેલાં સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અંગેની મંજૂરી આપે તેની રાહ જોશે. આ સોદાથી બીટીના શેરમાં છ ટકાનો ઉછાળો આવ્યો હતો, પરંતુ બ્રિટનની નવી લેબર સરકાર તેને મંજૂરી આપે છે કે નહીં તે જોવાનું રહ્યું.

આ જાહેરાતથી 178 વર્ષ જૂની કંપની સાથે દ્રાહીની ભાગીદારીનો અંત આવશે. દ્વાહીનું હોલ્ડિંગ બીટી માટે નીચી વૃદ્ધિનું કારણ બન્યું હતું, કારણ કે તેમનું ગ્રૂપના માથે આશરે 60 બિલિયન ડોલરનું દેવું હોવાનો અંદાજ છે. હવે દેવું ઘટાડવા સંપત્તિ વેચી રહ્યાં છે.

ભારતીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે મારા મતે બીટીનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે અને તેઓએ તેમની વ્યૂહરચનાનો વધુ નિડરતાથી અમલ કરવાની જરૂર છે. અમે માત્ર પૈસા કમાવવા અથવા શેરબજારોને ધ્યાનમાં રાખીને આ રોકાણ કરી રહ્યાં નથી. અમે લાંબા ગાળાના ટેલિકોમ રોકાણકારો છીએ. તેઓ ઘણા સમયથી BT પર નજર રાખી રહ્યાં હતા અને તાજેતરમાં જ વેચાણકર્તાએ સંપર્ક કર્યો હતો. અમે તાજેતરના મહિનાઓમાં BTના મેનેજમેન્ટને મળ્યા હતાં.

ડોઇશ ટેલિકોમ લાંબા સમયથી બીટીમાં 12% હિસ્સો ધરાવે છે, જ્યારે આ વર્ષે જૂનમાં મેક્સીકન મેગ્નેટ કાર્લોસ સ્લિમે કંપનીમાં 3.2% હિસ્સો ખરીદ્યો હતો. તેનાથી ફેબ્રુઆરીમાં બીટીના સીઇઓ બનેલા એલિસન કિર્કબીની વ્યૂહરચનાને વેગ મળશે. તેમણે ભારતી એરટેલના નિર્ણયને BTની વ્યૂહરચના માટે “વિશ્વાસનો મહાન મત” ગણાવ્યો હતો.

2021માં  દ્રાહીએ બીટી અને તેના નિર્ણાયક કમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો હિસ્સો ખરીદ્યો ત્યારે સરકાર એલર્ટ બની હતી અને જણાવ્યું હતું કે તે ગ્રુપને બચાવવા જો જરૂરિયાત પડશે તો  દરમિયાનગીરી કરશે.

બ્રિટિશ સરકારે અત્યાર સુધી ભારતીય રોકાણ સામે વાંધો ઉઠાવ્યો નથી. ભારતનું ટાટા ગ્રૂપ જગુઆર લેન્ડ રોવર અને દેશની સૌથી મોટી સ્ટીલ કંપનીની માલિકી ધરાવે છે. પરંતુ ચાવીરુપ ક્ષેત્રોમાં વિદેશી માલિકી અંગે નવી લેબર સરકારના વલણની હજુ કસોટી થઈ નથી.

બીટી ગ્રૂપ અને ભારતી વચ્ચે લાંબા સમયના સંબંધો છે. 1997થી 2001 સુધી બીટી ગ્રુપ ભારતી એરટેલમાં 21 ટકા હિસ્સો ધરાવતું હતું.

 

LEAVE A REPLY