લોકસભામાં મંગળવારે ભાજપના નેતા અનુરાગ ઠાકુરે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી કેટલીક આકરી અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરતાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મોટો વિવાદ થયો હતો. અનુરાગ ઠાકુરની ટીપ્પણીઓ એટલી તીખી હતી કે સ્પીકરે તેને ગૃહના રેકોર્ડ પરથી હટાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનુરાગ ઠાકુરના પ્રવચનની પ્રશંસા કરી હતી, તેથી વિપક્ષે તેમની સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી હતી.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “ઓબીસી કી બાત, જનગણના કી બાત બહુત કી જાતી હૈ. જીસકો અપની જાતિ કા પતા નહીં, વો જનગણના કી બાત કરતે હૈ.” અનુરાગ ઠાકુરની આ ટિપ્પણીથી ગૃહમાં તોફાન મચ્યું હતું. જોકે અનુરાગ ઠાકુરે હુમલા જારી રાખતા કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક લોકો આકસ્મિક હિંદુઓ છે અને તેમનું મહાભારતનું જ્ઞાન પણ આકસ્મિક છે.
વિરોધ પક્ષોએ વાંધાજનક જાતિવાદી ટીપ્પણીઓ બદલ અનુરાગ ઠાકુરની માફીની માગણી કરી હતી, પરંતુ રાહુલે જણાવ્યું હતું કે તેઓ કોઈની પાસેથી માફીની માગણી કરતા નથી, કારણ કે જાતિ ગણતરી માટે ગાળો ખાવા માટે તેઓ તૈયાર છે.