ઇટાલીની 1965માં સ્થાપવામાં આવેલા આઇકોનિંગ ક્લોથિંગ બ્રાન્ડ બેનેટન નાણાકીય કટોકટીમાં ફસાઈ છે. વૈવિધ્યતા, સર્વસમાવેશકતા અને ટકાઉપણું માટે વિશ્વમાં આ બ્રાન્ડ જાણીતી હતી. અહેવાલ મુજબ, બેનેટને વૈશ્વિક સ્તરે 400થી વધુ સ્ટોર્સ બંધ કરવાની યોજના જાહેર કરી છે. 2024 સુધીમાં,180 સ્ટોર્સ પહેલેથી જ બંધ થઈ ગયા છે, અને બ્રાન્ડ વર્ષના અંત સુધીમાં કુલ 420 સ્ટોર બંધ કરવા માગે છે.
કંપનીના સીઈઓ ક્લાઉડિયો સ્ફોર્ઝાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહેલી ક્લોથિંગ બ્રાન્ડ બેનેટને પોતાની ખોટ અને દેવાંમાં ઘટાડો કરવાની યોજના ઘડી છે. જેના ભાગરૂપે વિશ્વભરમાંથી 400 જેટલા સ્ટોર્સ બંધ કરવા કરશે.સ્ફોર્ઝાએ જુલાઈ, 2024માં સીઈઓ પદ સંભાળ્યા બાદ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે. જેમાં કોસ્ટ કટિંગના ભાગરૂપે માલિકીના સ્ટોર્સ બંધ કરવા પર ફોકસ કરવા ઉપરાંત બ્રાન્ડની સ્ટ્રેટેર્જીમાં ફેરફારો સહિતની કવાયત સામેલ છે.
બેનેટન વર્ષ 2000થી તેની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સતત ગુમાવી રહી છે. તે ગ્રાહકોની બદલાતી ટેવો અને વર્તૂણક સાથે તાળો મેળવવામાં નિષ્ફળ જતાં માર્કેટ હિસ્સો ગુમાવી રહી હતી. તેમાં પણ તેનુ ફ્રેન્ચાઈઝી મોડલ નિષ્ફળ રહેતાં કંપનીની ખોટ વધી હતી. ગત વર્ષે જુલાઈમાં કંપનીએ તેના 908 કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. જેમને છ મહિનાની વોલેન્ટરી બેનિફિટ આપી બરતરફ કર્યા હતાં.