કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રખ્યાત અમરનાથ યાત્રાનો શનિવાર, 29થી પ્રારંભ થયો હતો. 52 દિવસની તીર્થયાત્રા બે રૂટ પર ચાલુ થઈ હતી. તેમાં અનંતનાગમાં પરંપરાગત 48 કિમી નુનવાન-પહલગામ રૂટ તથા ગાંદરબલમાં 14 કિમીનો બાલતાલ રૂટનો સમાવેશ થાય છે. 19 ઓગસ્ટે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાના તહેવારો સાથે સમાપ્ત થશે.
શુક્રવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નારાઓ વચ્ચે જમ્મુના ભગવતી નગર ખાતે યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પ્રથમ બેચને રવાના કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓને સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. યાત્રાળુઓ 231 હળવા અને ભારે વાહનોના કાફલા સાથે શ્રીનગર પહોંચ્યાં હતાં. યાત્રા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર આ વર્ષની યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથ ગુફા સુધીના બે રૂટ પર 125 જેટલા લંગર ઊભા કરવામાં આવ્યાં છે અને તેમાં 6,000થી વધુ સ્વયંસેવકો મદદ કરી રહ્યાં છે.
અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 1100થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના સવારે 11 વાગ્યે દર્શન કર્યા હતાં.
આ વર્ષની અમરનાથ યાત્રાની મુખ્ય વિશેષતામાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા, વહીવટીતંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અને સ્થાનિક લોકોનું ઉષ્માભર્યું આતિથ્ય છે.
યાત્રા કરી પરત ફરેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુફામાં બરફનું પવિત્ર શિવલિંગ બન્યું છે. યાત્રાળુઓએ બે રૂટ પરથી અમરનાથ મંદિરે પહોંચી રહ્યાં છે. પ્રથમ રૂટ પરંપરાગત પહેલગામ બેઝ કેમ્પનો છે. તેમાં મંદિર સુધી પહોંચવા માટે ચાર દિવસનો સમય લાગે છે અને તે 48 કિમી લાબો છે. બીજો રૂટ બાલતાલનો છે. તે 14 કિલોમીટરનો છે.