વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ વર્ષે ભારતનું રેન્કિંગ એકસાથે પાંચ સ્થાન ગબડીને 85 પર પહોંચી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતીય પાસપોર્ટ 80માં સ્થાને હતો. બીજી તરફ 2015થી 2025 વચ્ચે બ્રિટનના પાસપોર્ટના રેન્કિંગમાં પણ ચોથા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો છે. 2015માં આ યાદીમાં બ્રિટિશ પાસપોર્ટ ટોચના સ્થાને હતો, જે હાલમાં પાંચમાં ક્રમે આવી ગયો છે. અમેરિકાના પાસપોર્ટનું રેન્કિંગ 2025માં ઘટીને નવમા ક્રમે આવ્યું હતું, જે 2024માં સાતમાં ક્રમે હતો. બીજી તરફ ચીનનું રેન્કિંગ 62થી સુધરીને 60 થયું હતું.
ભારતના પાસપોર્ટથી 57 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકાય છે. આ યાદીમાં સિંગાપોર સતત બીજા વર્ષે ટોચ રહ્યું છે, બીજા સ્થાને જાપાનનો પાસપોર્ટ રહ્યો છે. જાપાનનો પાસપોર્ટ 2018-2023 સુધી ટોચના સ્થાને હતો. 2024માં જાપાન અને સિંગાપોર બંને એકસાથે ટોચના સ્થાને હતાં.
સિટિઝનશિપ એડવાઇઝરી કંપની હેનલી એન્ડ પાર્ટનર્સે બુધવારે જારી કરેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025 પાકિસ્તાન અને બાંગ્લાદેશનું રેન્કિંગ અનુક્રમે 103મું અને 100મું રહ્યું હતું.
કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા ચાર્ટ મુજબ ભારતનો રેન્ક 2021માં 90મા ક્રમે સૌથી નીચો હતો, જ્યારે તેનો શ્રેષ્ઠ સ્કોર 2006માં હતો, જ્યારે ભારતનો પાસપોર્ટ 71મા ક્રમે હતો.
કંપનીના નિવેદન અનુસાર છેલ્લા એક દાયકામાં વિશ્વના 199 પાસપોર્ટમાંથી માત્ર 22 જ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગમાં નીચે આવ્યા છે. આશ્ચર્યજનક રીતે પાવરફુલ પાસપોર્ટની આ યાદીમાં 2015 અને 2025ની વચ્ચે અમેરિકાના પાસપોર્ટના રેન્કિંગમાં બીજા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો હતો. અમેરિકાના પાસપોર્ટનું રેન્કિંગ આ સમયગાળામાં બીજા સ્થાનેથી ગબડીને છેક 9મા સ્થાને આવી ગયું છે. આ સમયગાળામાં વેનેઝુએલાના પાસપોર્ટનું રેન્કિંગ સૌથી વધુ ઘટ્યું હતું. કેનેડાના પાસપોર્ટનું રેન્કિંગમાં પાચમા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો છે. કેનેડાનો પાસપોર્ટ એક દાયકામાં 4 સ્થાને ગબડીને હાલમાં સાતમા સ્થાને આવી ગયો છે.
બીજી તરફ છેલ્લાં એક દાયકામાં ચીનના પાસપોર્ટ સૌથી મોટી છલાંગ લગાવી છે. 2015માં ચીનનો પાસપોર્ટ 94મા ક્રમે હતો, જે 2025માં 60મા ક્રમે આવ્યો છે. ચીનનો વિઝા ફ્રી સ્કોર વધીને 40 દેશોનો થયો છે.