પોરબંદર નજીકના માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ખાતે ભવ્ય માધવપુર ઘેડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે. માધવપુરના રળિયામણા દરિયાકિનારે 5 A-સાઇડ બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ, 80 અને 60 મીટર બીચ રન, કોકોનટ થ્રો જેવી રમતોની રંગત જામશે. બીચ ફૂટબૉલ અને બીચ કબડ્ડીની રમતોમાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ ભાગ લેશે જ્યારે અન્ય રમતોમાં સ્થાનિક ખેલાડીઓ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરશે. ખેલાડીઓ માટે પોરબંદર અને જૂનાગઢ ખાતે અનુક્રમે નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને અન્ય સ્થાનિક જગ્યાએ રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેમને સ્પોર્ટ્સ વેન્યૂ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે.

LEAVE A REPLY