ઇસ્ટ એન્ડ ફૂડ્સના સહ-સ્થાપક ડૉ. ટોની દીપ વૌહરા, MBE DLના પત્ની બાર્બરા એન વૌહરાનું કેન્સરની બીમારી સામે એક વર્ષ સુધી લડત આપ્યા બાદ 25 ડિસેમ્બર ક્રિસમસના દિવસે શાંતિપૂર્ણ અવસાન થયું હતું. પરિવારની વચ્ચે 79 વર્ષની વયે મૃત્યુ પામેલા બાર્બરા ત્રણ સંતાનો પુત્રી નીના અને પુત્રો પોલ અને રોજર સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા હતા.
બિઝનેસના શરૂઆતના દિવસોમાં પ્રભાવશાળી બાર્બરાએ કંપનીની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેને કારણે ઇસ્ટ એન્ડ ફૂડ્સ યુકેની અગ્રણી હોલસેલ ફૂડ રીટેલર બની ગઈ છે.
ગુરુવારે લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિમાં બાર્બરાના પુત્ર રોજરે કહ્યું હતું કે “મારા પિતાને ભાવિ બિઝનેસમેન તરીકે ઘડવામાં મારી માતા મુખ્ય હતી. તેઓ 960ના દાયકાની શરૂઆતમાં મળ્યા હતા. ત્યારે મારા પિતા, £3 સાથે ઇમિગ્રન્ટ તરીકે કામની શોધમાં યુકે આવ્યા હતા. મારી માતાએ જ 800 મરઘીઓનું ફાર્મ ધરાવતા પેટ ઓસ્ટિન સાથે પિતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે પિતાને ઘરે ઘરે ઈંડા વેચવા માટે સ્ટોક પૂરો પાડ્યો હતો. તે પછી મારા પિતાએ પાછું વળીને જોયું નથી. તેઓ સફળ પુરુષની પાછળ રહેલ મહાન સ્ત્રી હતા અને તેમણે પારિવારિક જીવનનું બલિદાન આપી લાંબા કલાકો સુધી કામ કર્યું હતું અને બાળકોને એકલા હાથે ઉછેર્યા હતા.”
ટોનીએ 1972માં વુલ્વરહેમ્પટનમાં ઈસ્ટ એન્ડ ફૂડ્સ મસાલા ઉત્પાદન કંપનીની સ્થાપના કરી હતી. બાર્બરાએ પતિને ચિકન કાપવાથી લઈને તેમના કેશ એન્ડ કેરી સ્ટોર્સમાં ટિલ્સ પર કામ કરવા સહિતના વિવિધ કાર્યોમાં મદદ કરતા હતા.
ટોનીના ચાર ભાઈઓ બિઝનેસમાં જોડાયા બાદ ઈસ્ટ એન્ડ ફૂડ્સ યુકે અને યુરોપમાં એશિયન ફૂડનું અગ્રણી સપ્લાયર્સમાંનું એક બન્યું હતું. 2019માં, પરિવારે પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એક્સપોનેંટને બિઝનેસ વેચ્યો હતો.
1967માં જ્યારે આંતરધર્મી લગ્નો દુર્લભ હતા તેવા સમયે સ્મેથવિકમાં ગુરુ નાનક ગુરુદ્વારામાં લગ્ન કરનાર બાર્બરા પ્રથમ ઇંગ્લિશ મહિલાઓમાંના એક હતા.
રોજરે પરિવારને ચેરિટી મેરી ક્યુરીની નર્સો તરફથી મળેલા સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.