(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલે શુક્રવારે લગભગ એક મિનિટના વીડિયોમાં કમલા હેરિસની પ્રમુખ પદની બિડને સમર્થન આપ્યું હતું. આ વીડિયોમાં ઓબામા દંપતી અને વર્તમાન વાઇસ પ્રેસિડન્ટ વચ્ચેના ખાનગી ફોન કોલને કૅપ્ચર કરવામાં આવ્યો હતો.

ઓબામાએ હેરિસને કહ્યું હતું કે હું અને મિશેલ તમને સમર્થન આપવા માટે ગર્વ અનુભવીએ છીએ અને અને આ ચૂંટણીમાં તમે વિજયી બનો તે માટે અમે અમે જે કંઈ કરી શકીએ તે કરવા તૈયાર છીએ. ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીએ જણાવ્યું હતું કે “મને તમારા પર ગર્વ છે. આ ઐતિહાસિક અવસર છે.” હેરિસે સમર્થન અને તેમની લાંબી મિત્રતા માટે આબામા દંપતીનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ ઓબામા છેલ્લી વખત ચૂંટાયાના એક દાયકાથી વધુ સમય વીતી ગયા પછી પણ ડેમોક્રેટિક પાર્ટીમાં સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાંના એક છે. ઓબામાના આ સમર્થનથી હેરિસ કેમ્પેઇનને નવી ઊર્જા મળશે અને ભંડોળ ઊભું કરવામાં મદદ કરી શકે છે.

અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને 5 નવેમ્બર 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખસી જવાની જાહેરાત કરી હતી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન જાહેર કર્યું હતું.

ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનનું સંમેલન 19 ઓગસ્ટે શિકાગોમાં શરૂ થવાનું છે, જેમાં દેશભરમાંથી લગભગ 4,000 ડેલિગેટ્સ નવેમ્બરની સામાન્ય ચૂંટણીઓ માટે તેમના ઉમેદવારને પસંદ કરશે.

બાઇડનને પાર્ટીની પ્રાયમરીમાં ભારે જીત સાથે 3,800થી વધુ ડેલિગેટ્સનું સમર્થન મળ્યું હતું. હવે બાઇડને કમલા હેરિસનું સમર્થન જાહેર કર્યા પછી હેરિસ માટે પક્ષમાંથી ઉમેદવાર બનવાનું સરળ બન્યું છે. જોકે ડેલિગેટ્સ કમલા હેરિસના સમર્થનમાં મતદાન ન કરે ત્યાં સુધી અનિશ્ચિતતા રહેશે.

 

LEAVE A REPLY