રવિવાર 4 ઑગસ્ટના રોજ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના 600થી વધુ લોકોએ નોર્થ વેસ્ટ લંડનના નીસ્ડન ટેમ્પલની વાર્ષિક ચેરિટી ચેલેન્જમાં ભાગ લઇ ફેલિક્સ પ્રોજેક્ટ અંતર્ગત  મંદિરની વિવિધ શૈક્ષણિક, સમુદાય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કર્યું હતું.

આ ભંડોળથી બાળકો, યુવાનો, પરિવારો અને વૃદ્ધોને ફાયદો થાય છે. આ વર્ષે, વાર્ષિક ચેલેન્જ રાજધાનીમાં ભૂખમરા અને ખાદ્યપદાર્થોના બગાડ સામેની લડાઈમાં ફેલિક્સ પ્રોજેક્ટને સમર્થન આપશે.

ફેલિક્સ પ્રોજેક્ટ તાજો, પૌષ્ટિક ખોરાક ભેગો કરી તેને ચેરીટી સંસ્થાઓ અને શાળાઓને પહોંચાડે છે જેથી બેઘર લોકો સહિત સૌથી વધુ સંવેદનશીલ લોકોને આરોગ્યપ્રદ ભોજન પૂરું પાડી શકાય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસ્થાએ આ માટે નીસ્ડન ટેમ્પલ સાથે સહયોગ કર્યો છે.

આ કાર્યક્રમનો સવારે 10 વાગ્યે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનથી પ્રારંભ થયો હતો અને વોકર્સ, જોગર્સ અને દોડવીરો તેમની 10 કિલોમીટરની ચેલેન્જ પૂર્ણ કરવા ગિબન્સ રિક્રિએશન ગ્રાઉન્ડ (મંદિરની સામે) તરફ ગયા હતા. નાના બાળકોએ માર્ગમાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા મંદિરની પરિમિતિની આસપાસ તેમની પોતાની સંખ્યાબંધ સર્કિટ પૂર્ણ કરી હતી. ચેલેન્જ પછી, સમગ્ર પરિવાર માટે રમતોનું આયોજન કરી સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાયા હતા.

કોમ્યુનિટી ઈવેન્ટ્સ એન્ડ ફંડરેઈઝિંગ મેનેજર સલ્લિન્દર રાયે મંદિર અને સૌનો આભાર માન્યો હતો. તો લંડનમાં ચેરિટી ચેલેન્જના મુખ્ય સ્વયંસેવક જય સી. પટેલે જણાવ્યું હતું કે, “પ. પૂ. મહંત સ્વામી મહારાજ લોકોને ટેકો આપવા માટે અમને પ્રેરણા આપે છે. કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીએ ઘણાને અસર કરી છે અને ઘણી સખાવતી સંસ્થાઓ માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે અને અમે ફરી એકવાર ધ ફેલિક્સ પ્રોજેક્ટના તેજસ્વી કાર્યને સમર્થન આપવા માટે સમર્થ થવા બદલ આભારી છીએ.’’

LEAVE A REPLY