બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજના દરને 4.5% પર સ્થિર રાખ્યા છે. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ કહ્યું હતું કે “હાલમાં ઘણી અનિશ્ચિતતા છે, પરંતુ વ્યાજનો દર ધીમે ધીમે ઘટતો જશે.’’ બેંકની રેટ સેટીંગ કમીટીએ કહ્યું હતું કે યુએસ દ્વારા નવા વેપાર ટેરિફ લાદવામાં આવ્યા પછી “વૈશ્વિક વેપાર નીતિ અનિશ્ચિતતા તીવ્ર બની છે”
છેલ્લે ફેબ્રુઆરીમાં બેઝ રેટ 4.75% થી ઘટાડીને 4.5% કરવામાં આવ્યો હતો, જે ગયા વર્ષે 5.25% ની ટોચ પર હતો.
બેંક ઓફ ઈંગ્લેન્ડની MPCના આ નિર્ણય બાબતે ચાન્સેલર ઓફ ધ એક્સચેકર, રશેલ રીવ્સે કહ્યું હતું કે “સમરથી અત્યાર સુધીમાં અમે ત્રણ વખત દર ઘટાડાનો સામનો કર્યો છે, પરંતુ જીવનનિર્વાહના ખર્ચને ઓછો કરવા માટે હજુ પણ કામ કરવાનું બાકી છે. તેથી જ હું દરરોજ કામ કરતા લોકોના ખિસ્સામાં વધુ પૈસા નાખવા માટે લડી રહી છું જેથી અમારી પરિવર્તન યોજના પૂર્ણ કરી શકાય, અને અમે નેશનલ ઇન્સ્યોરંશ, આવકવેરો અથવા VATમાં કોઈ વધારો કર્યા વિના કામદારોના પગારનું રક્ષણ કર્યું છે, નેશનલ લિવિંગ વેજમાં વધારો કર્યો છે અને ફ્યુઅલ ડ્યુટી સ્થિર કરી છે.’’
ઘણા અર્થશાસ્ત્રીઓ આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા બે ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે. સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચના નીના સ્કેરોએ આગાહી કરી હતી કે આ વર્ષે ફક્ત એક જ વખત ઘટાડો થશે.
શેડો ચાન્સેલર, મેલ સ્ટ્રાઇડે કહ્યું હતું કે વ્યાજ દર 4.5% પર રહેવાનો અર્થ એ થશે કે લાખો લોકોને વધુ મોરગેજ ભરવું પડશે. તેમણે ગયા વર્ષે રજૂ કરાયેલા રીવ્સના બજેટને વધતા ફુગાવા માટે દોષીત ઠેરવ્યું છે, જેનાથી “વ્યાજ દર નીચે લાવવાનું મુશ્કેલ બને છે”.
