બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે તેમની સરકાર એક બિલિયન ડોલરનો તિસ્તા રિવર પ્રોજેક્ટ ભારતને આપવા માગે છે. ચીન તેના માટે તૈયાર છે, પરંતુ હું ઇચ્છું છું કે ભારત તેનો અમલ કરે. ચીન અને ભારત બંને તિસ્તા રિવર કમ્પ્રેહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યાં છે ત્યારે બાંગ્લાદેશનના વડાપ્રધાને આ નિવેદન આપ્યું હતું. આ પ્રોજેક્ટમાં ભારતમાંથી બાંગ્લાદેશમાં વહેતી તિસ્તા નદીના 414 કિમીના તટપ્રદેશના વિકાસનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશના વડાંપ્રધાને ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કરી ચીનને મોટો ઝટકો આપ્યો હતો. તેમણે ભારતને પ્રોજેક્ટ આપવાના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે અમે સૌથી વધુ ભારતને પ્રાધાન્ય આપીશું, કારણ કે ભારતથી જ તીસ્તા નદીમાં જ પાણી આવે છે.
તિસ્તા નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી 54 નદીઓમાંથી એક છે. ભૌગોલિક, રાજકીય દ્રષ્ટિએ તિસ્તા નદી પ્રોજેક્ટ ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. જો આવા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી વધી જાય તો ભારત માટે તે ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે સંવેદનશીલ ચિકન નેક કોરિડોર તેની એકદમ નજીક જ છે.