
શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશ અને ભારતના સંબંધો કથળી રહ્યાં છે. ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનની બહાર હિન્દુ નેતા ચિન્મય દાસની ધરપકડના વિરોધમાં થયેલા દેખાવોના મુદ્દે બાંગ્લાદેશે ભારતના હાઈ કમિશનર પ્રણય વર્માને ઢાકામાં સમન્સ કર્યા હતાં. બાંગ્લાદેશે અગરતલા મિશનમાં કોન્સ્યુલર સેવાઓ સ્થગિત કરવાની પણ જાહેરાત કરી હતી. આની સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર વચ્ચે બંને પડોશી દેશોના સંબંધો નવી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં.
નવી દિલ્હીએ અગાઉ અગરતલા મિશનમાં થયેલા સુરક્ષા ભંગને ખૂબ જ ખેદજનક ગણાવ્યું હતું. ત્રિપુરા પોલીસે આ ઘટના અંગે સાત લોકોની ધરપકડ કરી હતી અને ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બાંગ્લાદેશે કહ્યું હતું કે તેના રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હતું.
ઢાકામાં બાંગ્લાદેશના કાર્યકારી વિદેશ સચિવ રિયાઝ હમીદુલ્લા સાથેની બેઠકમાંથી બહાર આવીને ભારતીય રાજદૂત પ્રણય વર્માએ જણાવ્યું હતું કે દિલ્હી સ્થિર, રચનાત્મક સંબંધ બનાવવા માંગે છે અને કોઈ એક મુદ્દો દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધ ન હોવો જોઈએ.
અગાઉ બાંગ્લાદેશના કાયદા બાબતોના સલાહકાર આસિફ નઝરુલે જણાવ્યું હતું કે અમે સમાનતા અને પરસ્પર આદર પર આધારિત મિત્રતામાં માનીએ છીએ. શેખ હસીનાની સરકારે ભારત તરફી નીતિ અપનાવી હતી. હવે ભારતે સમજવું જોઈએ કે આ શેખ હસીનાનું બાંગ્લાદેશ નથી.
ચટ્ટોગ્રામની એક કોર્ટમાં સાધુ ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. પરંતુ તેમના માટે કોઈ વકીલ હાજર થયો ન હતો. રાજદ્રોહના આ કેસમાં જામીનની સુનાવણી હવે 2 જાન્યુઆરીએ થશે.
