બાંગ્લાદેશની વચગાળાની સરકારે એક રાજદ્વારી નોંધ મોકલીને ભારતને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ઢાકા પરત મોકલવા અનુરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં તેમની સરકારના પતન પછી 77 વર્ષીય અવામી લીગના નેતા 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે.
ઢાકા સ્થિત ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT)એ શેખ હસીના અને તેમના પ્રધાનો, સલાહકારો અને ભૂતપૂર્વ સૈન્ય અને નાગરિક અધિકારીઓના નામ પર ધરપકડ વોરંટ જારી કર્યું છે, અને તેઓ પર “માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર”નો આરોપ મૂક્યો છે.
વચગાળાની સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર તૌહિદ હુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારને એક રાજદ્વારી સંદેશ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ન્યાયિક પ્રક્રિયા માટે શેખ હસીનાને અહીં પરત લાવવા માંગે છે.”
અગાઉ, ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે તેમની ઓફિસે હસીનાના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે.ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થયેલી છે. તે વ્યવસ્થા હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લઈ જવામાં આવી શકે છે.
