રવિવારે (27 એપ્રિલ) રાત્રે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાની શાનદાર બેટિંગ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલના પોતાના 10મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને તેના ઘરઆંગણે 6 વિકેટે હરાવી સાતમો વિજય નોંધાવ્યો હતો અને એ રીતે, એકાદ દિવસ માટે પણ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને બિરાજમાન થયું હતું. જો કે, એ પહેલાની મુંબઈમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી પોતાની વિજય કૂચ જારી રાખી હતી અને પ્લે ઓફ્સમાં પોતાના સ્થાન માટેની દાવેદારી મજબૂત બનાવી હતી. મુંબઈ હાલમાં 10માંથી 6 વિજય સાથે ત્રીજા ક્રમે છે.
બેંગલોરના સુકાની રજત પાટીદારે ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. દિલ્હી 8 વિકેટે ફક્ત 162 રન સુધી પહોંચી શક્યું હતું અને તેમાં કે. એલ. રાહુલના 39 બોલમાં 41 રન મુખ્ય હતા. ઓપનર અભિષેક પોરેલે 11 બોલમાં 28 અને ટ્રિસ્ટાન સ્ટબ્સે 18 બોલમાં 34 રન કર્યા હતા, તો દિલ્હી તરફથી ભુવનેશ કુમારે 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં બેંગલોરના ઓપનર વિરાટ કોહલીએ 47 બોલમાં 51 અને કૃણાલ પંડ્યાએ પણ 47 બોલમાં અણનમ 73 રન કરી ટીમને 19મી ઓવરમાં જ વિજયની મંઝિલે પહોંચાડી દીધી હતી. દિલ્હીના સુકાની અક્ષર પટેલે ચાર ઓવરમાં ફક્ત 19 રન આપી બે વિકેટ લીધી હતી, પણ વ્યૂહાત્મક રીતે ભૂલ કરી 19મી ઓવર સ્ટાર્કને આપવાના બદલે મુકેશ કુમારને આપી દીધી હતી અને તેના પગલે ટીમ ડેવિડે પાંચ બોલમાં જ વિજયનો બાકી રહેલો 18 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. તેણે એક છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 19 રન ઝુડી નાખ્યા હતા. કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
