એક સંશોધનમાં જણાયું હતું કે, શિયાળાના મહિનાઓ દરમિયાન ગર્ભધારણ કરનારા લોકો પુખ્તવય દરમિયાન પાતળા રહેવાની શક્યતા વધુ હોય છે. તેમનું શરીર ચરબી બાળતું હોવાના કારણે આ સ્થિતિ શક્ય બને છે. 350થી વધુ જાપાની પુરુષો પર કરાયેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મધ્ય ઓક્ટોબરથી મધ્ય એપ્રિલ વચ્ચે ગર્ભધારણ કરનારા વ્યક્તિઓમાં બ્રાઉન એડિપોઝ ટીસ્યુ વધુ સક્રિય હોય છે, તે એક પ્રકારની ચરબી છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે કેલરી બાળે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બને છે. ઠંડીની સીઝનમાં વધુ સક્રિય બ્રાઉન ફેટ સાથે જન્મેલા લોકોમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) ઓછો અને કમર પાતળી જોવા મળી હતી. તેમનો, સરેરાશ BMI સ્કોર લગભગ 22 હતો, જ્યારે ગરમીની સીઝનમાં ગર્ભધારણ કરનારા લોકોનો આ સ્કોર 23 હતો. તોહોકુ યુનિવર્સિટીના ડો. ટાકેશી યોનેશિરોના વડપણ હેઠળના સંશોધકોએ જણાવ્યું હતું કે, BMIનો તફાવત સામાન્ય હતો પરંતુ વસતીના ધોરણ મુજબ તે ખૂબ જ મહત્ત્વનો હતો. સંશોધકોને શંકા છે કે શુક્રાણુ દ્વારા ઇંડાના ગર્ભાધાન સમયે અથવા તેના થોડા સમય પછી, પર્યાવરણીય પરિસ્થિતિઓ વ્યક્તિના મેટાબોલિઝમને હંમેશા માટે અસર કરી શકે છે.
આ સંશોધકો માને છે કે “એપિજેનેટિક” ફેરફારોમાં રાસાયણિક “ટેગ્સ”નો સમાવેશ થયો હોય છે, જે કુદરતી રીતે વ્યક્તિના DNA સાથે જોડાયેલા હોય છે, અને તે શરીરના બંધારણમાં ભૂમિકા ભજવી શકે છે. આ રાસાયણિક ટેગ્સ કોઇ વ્યક્તિની આનુવંશિકતામાં ફેરફાર કરતા નથી, પરંતુ તેઓ વિવિધ જનીનોની પ્રવૃત્તિના સ્તરને બદલી શકે છે. કેટલાક એવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે તે માતા-પિતા દ્વારા તેમના બાળકોમાં આવી શકે છે.
નેચર મેટાબોલિઝમમાં પ્રસિદ્ધ થયેલા આ તારણો ઉંદરો પર અગાઉ થયેલા સંશોધનને ઉજાગર કરે છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઠંડીના સંપર્કમાં આવવાથી શરીર દ્વારા ચરબી બાળવામાં આવે તો તેમાં ફેરફાર થઈ શકે છે, જે પિતાના વંશજો તરફથી વારસામાં મળી હતી. જોકે મનુષ્યોમાં ચોક્કસ પદ્ધતિ અસ્પષ્ટ છે, સંશોધકોને શંકા છે કે સમાન અસર થઇ છે. જર્મનીમાં હેલ્મહોલ્ટ્ઝ મ્યુનિચ બાયોમેડિકલ રીસર્ચ સેન્ટરના એપિજેનેટિકિસ્ટ રાફેલ ટેપેરિનોએ સંશોધનની સ્વતંત્ર સમીક્ષામાં જણાવ્યું હતું કે, “વધી રહેલું પ્રમાણ એ બાબતને ઉજાગર કરે છે કે, સસ્તનધારકોનો વિકાસ ગર્ભાધાનથી લઈને પ્રી-ઇમ્પ્લાન્ટેશન અને ગર્ભ વિકાસ પર્યાવરણીય દબાણ અંતર્ગત થાય છે.
યોનેશિરોએ જણાવ્યું હતું કે, આ તારણો સૂચવે છે કે, “મનુષ્યો પાસે ટૂંકાગાળાના, પર્યાવરણની દૃષ્ટિએ પ્રતિભાવશીલ પ્રોગ્રામિંગની ક્ષમતા હોય છે જે આવનારી પેઢીઓને વારસામાં મળી શકે છે. અમારા તારણો વધુ ગતિશીલ અને અનુકૂળ મેટાબોલિક સીસ્ટમ તરફ સૂચિત કરે છે, જે મનુષ્યોને ઠંડા અને વધુ વાતાવરણીય જળવાયુ સહિત જુદા જુદા હવામાનમાં અનુકૂળતા સાધવામાં સફળતા અપાવે છે.”
