ફેબ્રુઆરી – માર્ચમાં પાકિસ્તાન અને યુએઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ઓસ્ટ્રેલિયાની 15 ખેલાડીઓની ટીમમાં બે નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. મેચ શોર્ટ અને એરોન હાર્ડી કાંગારૂઓના નવોદિતો છે.
પેટ કમિન્સના સુકાનીપદે ઓસ્ટ્રેલિયા વધુ એક ICC ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં નાથન એલિસ પાછો ફર્યો છે. 2023ની વનડે વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમની તુલનાએ આ વખતે ત્રણ ફેરફારો કરાયા છે. ડેવિડ વોર્નર, કેમરોન ગ્રીન અને સીન એબટનો આ ટીમમાં સમાવેશ નથી કરાયો. વોર્નરે નિવૃત્ત લઇ લીધી છે, તો કેમરોન ગ્રીન ઈજાગ્રસ્ત છે, જ્યારે એબટને તક અપાઈ નથી.
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ લાહોરમાં ઇંગ્લેન્ડ સામે રમશે. આ પહેલા આ ટીમ શ્રીલંકા સામે એક વનડે મેચ પણ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમ : પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝામ્પા.