ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત ક્રિકેટ સ્થળોમાંના એક ધ ગાબ્બા સ્ટેડિયમને 2032 ઓલિમ્પિક રમતો પછી તોડી પાડવામાં આવશે. આની જગ્યાએ વિક્ટોરિયા પાર્કમાં 60,000 દર્શકોની ક્ષમતાવાળા નવા સ્ટેડિયમનું નિર્માણ થશે. ક્વીન્સલેન્ડના પ્રીમિયર ડેવિડ ક્રિસાફુલ્લીની આ જાહેરાતગાબ્બાના ભવિષ્ય વિશે વર્ષોથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડ ક્રિકેટે આ પગલાનું સ્વાગત કર્યું હતું અને ભાર મૂક્યો છે કે નવું સ્ટેડિયમ રાજ્યમાં રમતના લાંબા ગાળાના ભવિષ્યને સુરક્ષિત કરશે.
બ્રિસ્બેનના ગાબામાં 1931 બાદથી અત્યાર સુધીમાં 67 પુરુષોની ટેસ્ટ અને 2 મહિલા ટેસ્ટ રમાઈ ચૂકી છે. તેને ઓસ્ટ્રેલિયન ટીમનો કિલ્લો કહેવામાં આવે છે, કારણ કે અહીં વિરોધી ટીમોને જીત મેળવવામાં દાયકાઓ લાગી જાય છે. ચોંકાવનારા આંકડા એવા છે કે 1988થી 2021 સુધી ઓસ્ટ્રેલિયન ટીમ અહીં એક પણ ટેસ્ટ મેચ નથી હારી. ઓસ્ટ્રેલિયન ટીમ ઘણીવાર આ મેદાન પર સીઝનની પ્રથમ મેચ રમતી આવી છે. આ વર્ષના અંતમાં આ ઐતિહાસિક સ્ટેડિયમમાં એશેઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ પણ રમાશે.
