ઓસ્ટ્રેલિયાના કમ્યુનિકેશન્સ પ્રધાને તાજેતરમાં સંસદમાં એક કાયદો રજૂ કરવામાં કર્યો હતો, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઓનલાઇન સલામતી માતા-પિતા માટે એક મોટો પડકાર બની ગયો છે.
પ્રધાન મિશેલ રોલેન્ડે જણાવ્યું હતું કે, ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ, રેડ્ડિટ, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ જો નાના બાળકોને એકાઉન્ટ બનાવતા અટકાવવામાં નિષ્ફળ રહેશે તો તેમને 33 મિલિયન અમેરિકન ડોલરનો દંડ ભરવો પડશે. રોલેન્ડને વધુમાં કહ્યું હતું કે, “દેશના ઘણા યુવાનો માટે સોશિયલ મીડિયા નુકસાનકારક સાબિત થઇ શકે છે. 14થી 17 વર્ષના બે તૃતિયાંશ ઓસ્ટ્રેલિયનોએ ડ્રગનું સેવન, આત્મહત્યા અથવા પોતાને નુકસાન કરવાની સાથે હિંસક વિડીયો જેવી ખૂબ જ નુકસાનકારક સામગ્રી ઓનલાઇન જોવે છે.”