બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમાં ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતના 6 વિકેટે હરાજીને આ ટ્રોફી પોતાના દેશમાં જ જાળવી રાખી હતી.ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ (અણનમ 34) અને બ્યુ વેબસ્ટર (39 અણનમ) સાથે 162 રનનો પીછો કર્યો હતો. ભારત પાંચ મેચની શ્રેણી 1-3થી હારી ગયું હતું. આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું છે.ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં 10 વર્ષ બાદ
ભારતને હરાવ્યું હતું. આ પહેલાં કાંગારૂ ટીમે 2014-15ની સિઝનમાં સિરીઝ જીતી હતી.
રવિવારે મેચના ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 34 અને બ્યુ વેબસ્ટર 39 રને અણનમ રહ્યા હતા. આ બે સિવાય ઉસ્માન ખ્વાજાએ 41 રન, સેમ કોન્સ્ટાસે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 181 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં ચાર વિકેટે 162 કર્યા હતા. ભારતે પ્રથ દાવમાં 185 રન અને બીજા દાવમાં 157 રન બનાવ્યાં હતાં.
ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની ટીમનો ફરી ધબડકો થયો હતો અને ભારતની ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પડતો મૂકવાનો મોટો નિર્ણય કરાયો હતો, આમ છતાં ભારતના દેખાવમાં કોઇ ફરક પડ્યો નથી. પ્રથમ દાવમાં ટી બ્રેક વખતે ભારતની 107 રનમાં ચાર વિકેટ પડી હતી. ભારતે અંતિમ સત્રમાં 78 રનમાં બાકીની છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી રિષભ પંતે (98 બોલમાં 40 રન) સૌથી વધુ રન બનાવ્યા હતાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેન્ડ 31 રનમાં ચાર વિકેટ ઝડપીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ દિવસનો અંતે એક વિકેટે નવ રન બનાવ્યાં હતા. જસપ્રીત બુમરાહે દિવસના છેલ્લા બોલે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. ખ્વાજાને આઉટ કર્યા બાદ બુમરાહ અને ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસ વચ્ચે બબાલ થઈ હતી.
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યો. તે 10 રને જ આઉટ થઈ ગયો હતો. તેના પછી કે.એલ રાહુલ પણ 4 રન બનાવીને બોલાન્ડનો શિકાર બની જતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી હતી. જેના પછી રોહિતની જગ્યાએ ટીમમાં આવેલા શુભમન ગિલે પણ 20 રન બનાવીને વિકેટ ફેંકી દેતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ હતી. લંચ બાદ રમત ફરી શરૂ થતાં વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો હતો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો હતો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે.