ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચો શ્રેણીની એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રવિવારે ભારતનો 10 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો, તેથી આ સિરિઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં 180 અને બીજા દાવમાં 175 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન કર્યા હતાં.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 180 રન બનાવ્યા હતાં. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતાં અને 157 રનની લીડ મેળવી હતી. ભારતનો બીજો દાવ 175 રન પર સમાપ્ત થયો હતો અને રોહિત એન્ડ કંપનીએ 18 રનની લીડ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 19 રનનો ટાર્ગેટ એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. ઉસ્માન ખ્વાજા નવ રન બનાવીને અણનમ રહ્યો હતો અને મેકસ્વી 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી.
રવિવારે ભારતે પાંચ વિકેટે 128 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાને રવિવારે પહેલો અને એકંદરે છઠ્ઠો ઝટકો રિષભ પંતના રૂપમાં લાગ્યો હતો.તે 28 રન બનાવી શક્યો હતો. પંત ત્રીજા દિવસની પ્રથમ ઓવરમાં સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ પછી અશ્વિન કંઈ ખાસ કરી શક્યો ન હતો અને સાત રન બનાવીને પેવેલિયન છોડી ગયો હતો. હર્ષિત રાણા ખાતું ખોલાવી શક્યો ન હતો અને કમિન્સનો શિકાર બન્યો હતો. નીતિશ રેડ્ડીએ ટૂંકી પરંતુ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.તે ફરી એકવાર અડધી સદી ચૂકી ગયો અને તેણે 47 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ સ્કોરર હતો.
તે જ સમયે, બોલેન્ડે સિરાજને હેડ દ્વારા કેચ કરાવ્યો અને ભારતીય ઇનિંગ 175 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સે પાંચ વિકેટ લીધી હતી જ્યારે બોલેન્ડને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. આ પહેલા શનિવારે ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને, કેએલ રાહુલ સાત રન બનાવીને, શુભમન ગિલ 28 રન બનાવીને, વિરાટ કોહલી 11 રન બનાવીને અને કેપ્ટન રોહિત શર્મા છ રન બનાવીને આઉટ થયા હતાં.