ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી માટે યુએસ સત્તાવાળાઓને અપીલ કરી હતી. ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજ મુજબ મંદિરની બહાર રોડ અને સાઈનેજ પર વાંધાજનક શબ્દો લખવામાં આવ્યાં હતા. મંદિરના સાઈન બોર્ડની તોડફોડ કરાઈ હતી.
ભારતીય કોન્સ્યુલેટે X સોમવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યુ યોર્કના મેલવિલમાં BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડ અસ્વીકાર્ય છે. કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો છે.
મેલવિલ લોંગ આઇલેન્ડ પર સફોક કાઉન્ટીમાં આવેલું છે. તે 16,000ની બેઠક ક્ષમતા સાથેના નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મેગા સમુદાય કાર્યક્રમને સંબોધવાના છે.
ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજ મુજબ, મંદિરની બહાર રોડ અને સાઈનેજ પર અપશબ્દો લખવામાં આવ્યાં હતા. આ ઘટના બાદ મંદિરમાં બપોર પછી પ્રાર્થના સભા યોજવાની હતી.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશને X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યાય વિભાગ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે મંદિર પરના હુમલાની તપાસ કરવી જોઈએ. હિન્દુ સંસ્થાઓને તાજેતરની ધમકીઓ મળી છે. આ સપ્તાહનાા અંત ભાગમાં નસાઉ કાઉન્ટીની નજીક ભારતીય સમુદાય એકઠો થવાનો છે ત્યારે આ ધમકીઓ મળી છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “જે લોકો ચૂંટાયેલા નેતા પ્રત્યે નફરત ફેલાવવા માટે હિંદુ મંદિર પર હુમલો કરે તેમની કાયરતા સમજવી મુશ્કેલ છે. હિંદુ અને ભારતીય સંસ્થાઓ પર તાજેતરની ધમકીઓને પગલે આ હુમલોની તે સંદર્ભમાં તપાસ થવી જોઇએ.
મોદીના મેગા કાર્યક્રમ પહેલા શીખ ફોર જસ્ટિસના ત્રાસવાદી ગુરપતવંત પન્નુને તાજેતરમાં HAF સહિત હિન્દુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ સંસ્થા આવા કૃત્યોની સખત નિંદા કરે છે અને તમામ સમુદાયો વચ્ચે શાંતિ માટે પ્રાર્થના કરે છે. તે આ કથિત “ધિક્કાર અપરાધ”માં તેમની તપાસને સમર્થન આપવા માટે યુએસ સત્તાવાળાઓને સહકાર આપવા માટે કામ કરી રહ્યું છે.