કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પાડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના કર્મચારીઓએ મંગળવાર, 30 જુલાઈ, 2024એ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. (PTI Photo)

કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ વિનાશક ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયાં હતાં અને સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝાનો સમાવેશ થાય છે. પુલ અને રસ્તાઓ વહી ગયા છે અને ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. મંગળવારે વહેલી સવારે થયેલા ભૂસ્ખલનને પગલે ભારે વિનાશ સર્જાયો હતો. અનેક મકાનો ધરાશાયી થયાં હતાં અને જળાશયો ઊભરાયાં હતાં. અનેક વૃક્ષો ઉખડી ગયાં હતાં.

રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર ભૂસ્ખલમાં 24 લોકોના મોત થયાં હતાં. અત્યાર સુધીમાં 23 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલના વિવિધ શબઘરોમાં રાખવામાં આવ્યા છે.વાયનાડ જિલ્લા સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી, એક બાળક સહિત ચાર લોકો જિલ્લાના ચૂરલમાલા શહેરમાં મૃત્યુ પામ્યા હતાં, જ્યારે નેપાળના એક પરિવારના એક વર્ષના બાળકનું થોંડરનાડ ગામમાં મૃત્યુ થયું હતું.તે ઉપરાંત, ત્રણ મૃતદેહો, જેમાં પાંચ વર્ષના બાળકનો સમાવેશ થાય છે, પોથુકલ ગામ નજીક નદીના કિનારેથી મળી આવ્યાં હતાં.

રાજ્યના મહેસૂલ પ્રધાન કે રાજને કહ્યું હતું કે ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 70થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કલેકટરે માહિતી આપી હતી કે કરમંથોડુ નદી પર આવેલા બનાસુરા સાગર ડેમનું શટર ખોલવામાં આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે તમામ એજન્સીઓ વાયનાડમાં બચાવ કામગીરીમાં જોડાઈ છે. રાજ્યના પ્રધાનો બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યાં છે. રાહત અને બચાવ કામગીરીમાં કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને NDRF ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ પણ જોડાયા હતા. એરફોર્સના બે હેલિકોપ્ટર પણ વાયનાડ મોકલવામાં આવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી.  કોંગ્રેસના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ આ દુર્ઘટનાથી “ખૂબ જ વ્યથિત” છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

 

LEAVE A REPLY