–    એન્ડી મેરિનો દ્વારા

સેન્ટ્રલ લંડનમાં પાર્ક પ્લાઝા વેસ્ટમિન્સ્ટર બ્રાઇડ ખાતે મંગળવાર તા. 5ના રોજ યોજાયેલા શાનદાર વાર્ષિક એશિયન ટ્રેડર એવોર્ડ્સને સંબોધતા, બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે સમુદાયો માટે “મહત્વપૂર્ણ જીવનરેખા” સમાન ઇન્ડિપેન્ડન્ટ રિટેલ ક્ષેત્રની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘’નવી લેબર સરકાર નાના બિઝનેસીસને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગયા મહિનાના બજેટનો અર્થ એ નથી કે નવી સરકારે હાઈ સ્ટ્રીટને છોડી દીધી છે.’’

એશિયન મીડિયા ગ્રુપ દ્વારા પ્રકાશિત ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત સમાચાર સાપ્તાહિકોના સિસ્ટર ટાઇટલ એશિયન ટ્રેડર મેગેઝીન દ્વારા યોજાયેલ એશિયન ટ્રેડર એવોર્ડ્સમાં બ્રિ ટનમાં રિટેલ ક્ષેત્રના બીઝનેસીસની સરાહના કરવામાં આવે છે.

રેનોલ્ડ્સે લંડનમાં યોજાયેલી ગાલા ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું સ્ટેટ સેક્રેટરી બન્યો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે અમે જે પણ કંઈ કરીશું તેમાં નાના બિઝનેસીસના અવાજને ધ્યાનમાં રાખીને સખતાઈથી કરીશું અને આ સરકારે પોતાની જાતે એક સ્પષ્ટ ગ્રોથ મિશન નક્કી કર્યું છે.”

તેમણે સ્વીકાર્યું હતું કે ખાસ કરીને તાજેતરના બજેટની જાહેરાત પછી, હાલમાં બિઝનેસીસ ઘણા આર્થિક દબાણોનો સામનો કરી રહ્યા છે, જેમાં નેશનલ ઇન્સ્યોરંશના યોગદાનમાં વધારો પણ શામેલ છે. લેબરનો ઉદ્દેશ્ય બિઝનેસીસને માત્ર ટેકો આપવાનો જ નથી, પરંતુ સ્ટાર્ટ-અપ લોન અને ગ્રોથ ગેરંટી યોજનાઓ સાથે નાના બિઝનેસીસને મોડી ચૂકવણીની સમસ્યાને પહોંચી વળવા માટે નવા ફેર પેયમેન્ટ કોડ જેવા ફેરફારોનો અમલ કરીને રિટેલરો સાથે સીધું કામ કરવાનો પણ હતો.’’

રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ‘’સરકારની નીતિઓનું નિર્માણ તમારી સાથે થાય તેની ખાતરી કરવા માટે લેબર સરકાર મક્કમ હતી જેથી આપણે ફરીથી વિકાસ માટે આગળ વધી શકીએ… એવી સરકાર જે તમારી પડખે છે અને તમને જરૂરી સાધનો અને સંસાધનો આપે છે.”

35માં વર્ષમાં પ્રવેશેલ આ એવોર્ડ નાઈટ ઇન્ડીપેન્ડન્ટ રિટેલ કેલેન્ડરની સૌથી મોટી ઈવેન્ટ છે અને તેમાં સ્મોલ બિઝનેસ મિનિસ્ટર ગેરેથ થોમસ અને સાંસદો બેરી ગાર્ડિનર, એડવર્ડ થોમસ, કનિષ્ક નારાયણ, સુરીના બ્રેકનરિજ, શિવાની રાજા અને શોકત આદમ સહિત નોંધપાત્ર રાજકીય હસ્તીઓ અને બિઝનેસીસના અગ્રણી વ્યક્તિઓ અને ઘણા રિટેલરોએ હાજરી આપી હતી.

એશિયન ટ્રેડરના એસોસિએટ પબ્લીશર શેફાલી સોલંકી-નાયરે વેજીસ લૉ અને અને ટેક્સમાં થયેલા ફેરફારોને કારણે વધતા ખર્ચની અસર વિશે વાત કરતાં ચેતવણી આપી હતી કે કન્વીનીયન્સ રિટેલર્સને હોલસેલ ક્ષેત્ર સાથે બજેટમાંથી વધારાના £666 મિલિયનના ખર્ચનો સામનો કરવો પડશે અને માત્ર વેતન વધારાથી £110 મિલિયનનો ખર્ચ થશે. લઘુત્તમ વેતન અને એમ્પલોયર્સના નેશનલ ઇન્સ્યોરંશના યોગદાનના વધારા સાથે, રિટેલર વર્તમાન સ્ટાફના વર્કીંગ અવર્સ જાળવવા માટે દર વર્ષે £41,000 ના વધારાના ખર્ચનો સામનો કરી રહ્યા છે. આ ખર્ચને આવરી લેવા માટે, તેઓ સ્ટાફના કામના કલાકો ઘટાડશે, જે ગ્રાહક સેવાના સ્તર સાથે સમાધાન કરશે. આ એક એવો સંદેશ છે જે અમે ઘણા રિટેલરો પાસેથી સાંભળીએ છીએ.”

આગામી ટોબાકો એન્ડ વેપ બિલ અંગે પણ ચિંતા વ્યક્ત કરતા શેફાલી સોલંકી-નાયરે જણાવ્યું હતું કે, ‘’વેપ લિક્વિડના પ્રત્યેક 10ml પર નવી £2.64 ડ્યુટી લગાવવામાં આવી છે, જેના પરિણામે ભાવમાં મોટો વધારો થશે. આનાથી જે લોકો ધૂમ્રપાન છોડવાનું વિચારી રહ્યા છે તેઓ અને અન્ય કેટલાક લોકો વેપિંગ લેવાથી નિરુત્સાહિત થશે. તેના પરિણામે ગેરકાયદે ઉત્પાદનોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. યુકેમાં પહેલેથી જ યુરોપમાં સૌથી નીચો ધૂમ્રપાન દર છે અને રિટેલરો નવી ટોબાકો નીતિઓ વિશે ચિંતિત છે.”

તેમણે એશિયન ટ્રેડર મેગેઝિને જે મુદ્દાને ઘણા વર્ષો સુધી આવરી લીધો હતો તે પોસ્ટ ઓફિસ હોરાઇઝન કૌભાંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે “આ ઊંડે મુશ્કેલીભર્યા પ્રકરણે સબ પોસ્ટમાસ્ટર તરીકે સેવા આપતા ઘણા કન્વીનીયન્સ રિટેલર્સને અસર કરી છે. ખામીયુક્ત ટેક્નોલોજી અને દેખરેખના અભાવના આધારે નિર્દોષ વ્યક્તિઓ પર ખોટી રીતે કાર્યવાહી કરવાને કારણે ભારે વ્યક્તિગત અને નાણાકીય નુકસાન થયું છે.’’

આ વર્ષનો રમણીકલાલ સોલંકી એડિટર એવોર્ડ હોરાઇઝન કૌભાંડથી પ્રભાવિત સબ પોસ્ટમાસ્ટર અને પોસ્ટ મિસ્ટ્રેસને આપવામાં આવ્યો હતો.

એશિયન મીડિયા ગ્રૂપના સ્થાપક, એશિયન ટ્રેડર અને ઈસ્ટર્ન આઈના પ્રકાશક, રમણીકલાલ સોલંકી CBEની સ્મૃતિમાં સ્થાપિત આ એવોર્ડ એવી વ્યક્તિ અથવા લોકોના સમૂહને આપવામાં આવે છે, જેમણે કન્વીનીયન્સ રીટેલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.

હોરાઇઝન કૌભાંડના પીડિતો અને જસ્ટીસ કેમ્પેઇનર સીમા મિશ્રા અને વિજય પારેખે આ કાર્યક્રમમાં પોસ્ટમાસ્તરોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમમાં ભૂલોને કારણે ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા મિશ્રા અને પારેખ બંનેને 2010માં જેલમાં મોકલવામાં આવ્યા હતા. કરૂણ હકિકત એ છે કે સીમા મિશ્રા ત્યારે બે મહિનાનો ગર્ભ ધરાવતા હતા. આખરે 2021માં તેમનું કન્વીક્શન પલટાવી દેવામાં આવ્યું હતું.

એએમજીના ગ્રુપ મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે “નિર્દોષ હોવા  છતાં, તેમની નિંદા કરવામાં આવી છે, દુરુપયોગ કરવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે, જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, નાદાર જાહેર કરવામાં આવ્યા છે અને કદાચ સૌથી વધુ દુ:ખદાયક એ છે કે – ન્યાય પ્રણાલી દ્વારા, સરકાર દ્વારા અને જનતા દ્વારા સૌને આ વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા. આપણા દેશે ક્યારેય ન જોઇ હોય તેવી ન્યાયની કસુવાવડ જોઇ છે.”

ગાલા સાંજનો ટોચનો પુરસ્કાર નનીટનમાં ટ્રિપલ એ ફૂડસ્ટોરના શાન અને અરશન ચૌધરીને એશિયન ટ્રેડર ઓફ ધ યર 2024 એનાયત કરાયો હતો.

જાણીતા ઇમ્પ્રેશનીસ્ટ રોરી બ્રેમનરે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જેમાં 15 અન્ય રિટેલર્સને પણ વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

કિલ્બિર્ની સ્ટ્રીટ, ગ્લાસગોના બેસ્ટવે શેર ડેપોને હોલસેલ ડેપો ઓફ ધ યર એવોર્ડ અપાયો હતો. ગયા વર્ષથી છ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવી હતી, જેને રિટેલરો દ્વારા મત આપવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ લંડનમાં પાર્ક પ્લાઝા વેસ્ટમિન્સ્ટર બ્રાઇડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રક્તપિત્તથી અસરગ્રસ્ત લોકોને મદદ કરતી ચેરિટી સંસ્થા લેપ્રા માટે ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY