Hinduja family tops
  • સરવર આલમ દ્વારા

બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકોએ છેલ્લા વર્ષમાં દેશ અને વિદેશમાં આર્થિક પડકારોને દૂર કરવાનું ચાલુ રાખી પોતાની સંપત્તીમાં સંપત્તિમાં અકલ્પનીય £6.22 બિલિયનનો વધારો કર્યો હોવાનું એશિયન રિચ લિસ્ટ 2025ના પૃથ્થકરણમાં બહાર આવ્યું છે.

ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ દ્વારા પ્રકાશિત થતી બ્રિટનના 101 સૌથી ધનિક એશિયનોના ‘એશિયન રિચ લિસ્ટ 2025’નું શુક્રવારે તા. 15ના રોજ સાંજે વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં વિમોચન થનાર છે. ‘એશિયન રિચ લિસ્ટ’ હવે તેના 26માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

એશિયન રિચ લિસ્ટ એવા અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહિલાઓની પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવે છે કે જેમણે સંપૂર્ણ દૃઢતા અને નિશ્ચય દ્વારા તમામ ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવવા માટેના અવરોધોને પાર કર્યા છે અને તેમણે £126,270,000,000 ની સંયુક્ત સંપત્તિ એકઠી કરી છે જે ગયા વર્ષ કરતા 5.2 ટકા વધુ છે.

આ યાદીમાં સમાવાયેલા બિલિયોનેરની સંખ્યા હવે 17 થઈ છે અને હિન્દુજા પરિવાર ફરી એકવાર તેમની £34.5 બિલિયન સંપત્તિ હોવાના અંદાજ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. તેમંની સંપત્તિ અગાઉના વર્ષ કરતાં £1 બિલિયન વધારે છે.

હિન્દુજા ગ્રૂપનું નેતૃત્વ 83 વર્ષના ગોપીચંદ હિન્દુજા દ્વારા કરવામાં આવે છે, જેમણે મે 2023માં તેમના મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાનું 87 વર્ષની વયે અવસાન થયા પછી શાસન સંભાળ્યું હતું. જીપી, તરીકે જાણીતા ગોપીચંદજીને તેમના 79 વર્ષના ભાઇ પ્રકાશ, જેઓ પોતાનો સમય જીનીવા અને મોનાકો વચ્ચે વહેંચે છે, અને 74 વર્ષના અશોક, જે સૌથી નાના છે અને મુંબઈમાં રહે છે, તેમના દ્વારા ટેકો આપવામાં આવે છે.

બહુરાષ્ટ્રીય સમૂહ ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ, ઓઇલ, આઇટી, ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને મીડિયામાં રસ ધરાવતું હિન્દુજા ગ્રૂપ 50 દેશોમાં વ્યાપેલા બિઝનેસીસ સાથે વિશ્વભરમાં લગભગ 200,000 લોકોને રોજગારી આપે છે.

ગયા વર્ષે, હિન્દુજા ગૃપે વ્હાઈટહોલ, લંડનમાં ઓલ્ડ વોર ઓફિસ (OWO)નું £1.3 બિલીયનના ખર્ચે રીફર્બીશમેન્ટ પૂર્ણ કરી તેનું નામ બદલીને OWO રેફલ્સ હોટેલ અને રેસીડેન્શીયલ કોમ્પલેક્સ રાખ્યું હતું. તેમાં આરસની સીડીઓ અને ફ્લોર તથા ઝુમ્મર સાથે, તેમાં 120 ગેસ્ટ રૂમ અને સ્યુટ ઉપરાંત 85 વૈભવી એપાર્ટમેન્ટ્સ છે.

આ વર્ષે ગૃપે યુકેની અગ્રણી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે કરાર કર્યો હતો જે તબીબી વિજ્ઞાનમાં નવીનતમ પ્રગતિઓનો લાભ ભારતના લોકોને આપશે. આ ઉપરાંત, ભારતીય પીએચડી અને માસ્ટરના વિદ્યાર્થીઓને હેલ્થકેર એન્જિનિયરિંગમાં સંશોધન કરવા લંડન આવવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

હિન્દુજા પરિવારની આગામી પેઢી તેમના વ્યાપક બિઝનેસ સામ્રાજ્યના સંચાલનમાં સક્રિય ભાગ ભજવે છે. આગામી પેઢીમાં ગોપીચંદજીના બે પુત્રો, સંજય (60 વર્ષ), અને ધીરજ (52 વર્ષ); પ્રકાશના બે પુત્રો અજય (56 વર્ષ) અને રામક્રિશન (53 વર્ષ); અને અશોકનો એક પુત્ર શોમ (31 વર્ષ) છે.

સંજય ગલ્ફ ઓઈલ ઈન્ટરનેશનલના ચેરમેન છે, જ્યારે ધીરજ અશોક લેલેન્ડના ચેરમેન છે, જેને ગોપી પરિવારની “ફ્લેગશિપ” કંપની ગણાવાય છે.

સૌ ભાઇઓને તેમના પિતા, પરમાનંદ દીપચંદ હિંદુજા (1900-1971) પાસેથી વારસામાં મળેલા મૂલ્યો તેમના પુત્રો અને ત્યારપછીની પેઢીઓને કેવી રીતે આપી શકાય તે અંગે પ્રતિબિંબિત કરતાં ગોપીચંદજીએ એશિયન રિચ લિસ્ટને કહ્યું હતું કે  “હું પરિવારને પ્રેમ કરું છું. મને સંયુક્ત કુટુંબ ગમે છે. હું પરિવારના તમામ સભ્યો એકતામાં રહે તે પસંદ કરીશ. હું વિશ્વમાં એક વારસો બનાવવા માંગુ છું જે ઓળખે છે કે સંયુક્ત કુટુંબ માનવની વાસ્તવિક શક્તિ છે. દરેક જણ જન્મે છે અને પછી છેવટે તેઓ અદૃશ્ય થઈ જાય છે. કાયમી હોય એવું કોઈ નથી. પણ સંયુક્ત કુટુંબમાં તાકાત છે. આ સરળ નથી, કારણ કે લોકોનું પોતાનું મન હોય છે. જ્યારે વસ્તુઓ ખોટું થાય છે ત્યારે વ્યક્તિમાં સ્વીકારવાની ભાવના હોવી જોઈએ, મૌન રહેવાની અને માફ કરવાની અને ભૂલી જવાની. કારણ કે જો તમે માફ નહીં કરો અને ભૂલી નહિં જાઓ, તો તે એક મોટું યુદ્ધ બની જાય છે અને તે કોઈને મદદ કરતું નથી.’’

એશિયન રિચ લિસ્ટમાં ટોચના નવ નામો ગયા વર્ષની જેમ જ રહ્યા છે અને બધાએ તેમની સંપત્તિ જાળવી રાખી છે અથવા વધારી છે. સ્ટીલના અગ્રણી લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્યએ ફક્ત £100 મિલિયનનો થોડો ઘટાડો કર્યો હતો, પરંતુ તેઓ યાદીમાં કુલ £12.8 બિલીયનના મૂલ્ય સાથે બીજા સ્થાને રહ્યા હતા.

ત્રીજા સ્થાને મિત્તલના સાળા અને ગ્લોબલ પ્લાસ્ટિક સુપ્રીમો શ્રી પ્રકાશ લોહિયા £10.2 બિલિયનની સંપત્તી સાથે છે – તેમની પત્ની સીમા લક્ષ્મી મિત્તલની બહેન છે.

નિર્મલ સેઠિયા £6.7 બિલીયનના સાથે ચોથા ક્રમે આવ્યા હતા, તેઓ સુગર રિફાઇનિંગ, સિક્યુરિટી પ્રિન્ટિંગ, ગોલ્ડ માઇનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સહિતના અનેક ક્ષેત્રોમાં રસ ધરાવે છે. તેઓ તેમના ચાના પ્રેમ માટે અને ન્યુબી ટીની સ્થાપના માટે જાણીતા છે, જેને તેઓ “વિશ્વની શ્રેષ્ઠ ચા કંપની” કહે છે.

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે સંપત્તીમાં £600 મિલિયનના વધારા સાથે બિઝનેસ મોરચે નોંધપાત્ર પ્રયાણ કર્યું હતું. £5.8 બિલીયનની વ્યક્તિગત સંપત્તિ સાથે તેઓ યાદીમાં પાંચમા ક્રમે છે. જો કે, તેમની માતાના અવસાન સાથે તેમના અંગત જીવનમાં મુશ્કેલ સમય રહ્યો છે. અગ્રવાલનો તેમની માતા પ્રત્યેનો સ્નેહ તેમના વૈશ્વિક ખાણકામ સામ્રાજ્ય, વેદાંતમાં પ્રતિબિંબિત થાય છે, જે બિઝનેસને તેમણે ભંગાર ધાતુના નાના વ્યવસાયમાંથી પરિવર્તિત કર્યો હતો અને તેનું નામ માતા વેદવતી અગ્રવાલ પરથી રાખ્યું હતું.

અગ્રવાલે તેમના નિધનની જાહેરાત કરતા લખ્યું હતું કે “હું મારી માતા વિના અધૂરપ અનુભવીશ. તેણીની ગેરહાજરી જીવનમાં કોઈપણ રીતે ભરી શકાતી નથી.”

ભાઈઓ મોહસીન અને ઝુબેર ઈસા £4.9 બિલીયનની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે, પરંતુ ઝુબેરે જાહેરાત કરી હતી કે તે સુપરમાર્કેટ આસ્ડામાંનો તેમનો હિસ્સો TDR કેપિટલને વેચી રહ્યા છે. જે પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટ સાથે ભાગીદારી કરે હતી તેમાંથી આ જોડી જુન મહિનામાં અલગ થઈ ગઈ હતી. તેમ છતાં એવું માનવામાં આવે છે કે તેઓએ તેમની સંપત્તિના નિયંત્રણને વિભાજિત કર્યું છે, તેઓ હજુ પણ સંખ્યાબંધ વ્યવસાયિક હિતોમાં સંકળાયેલા છે.

ટોચના દસ અન્ય બિલીયોનેરમાં B&M સ્ટોરના ભૂતપૂર્વ માલિકો સાઇમન, બોબી અને રોબિન અરોરા (£3.2 બિલીયન); બેસ્ટવે હોલસેલર્સ અને ફાર્મસી માલિકો – પિતા અને પુત્રની જોડી સર અનવર અને દાઉદ પરવેઝ (£2.7 બિલીયન); રોકાણકારો સાયરસ વાંદરેવાલા અને તેમની પત્ની પ્રિયા (£2.5 બિલીયન); અને દસમા સ્થાને નવો પ્રવેશ મેળવનાર – ભાઈઓ રમેશ, રજની અને ભૂપેન્દ્ર કણસાગરા છે.

આફ્રિકા ખંડમાં પેટ્રોલિયમ, ગેસ ઉત્પાદન, ખાણકામ, શિપિંગ અને હોસ્પિટાલિટીમાં રુચિ ધરાવતા બિઝનેસીસ સાથે, ભાઈ-બહેનોની સંપત્તિમાં £500 મિલિયનની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વર્ષ રહ્યું હતું.

હોટેલિયર જસ્મિન્દર સિંઘ £1.6 બિલીયન સાથે અગિયારમા સ્થાને ધકેલાઈ ગયા હતા. તેમની પાસે એક મજબૂત વર્ષ પણ રહ્યું હતું જેમાં તેમના એડવર્ડિયન ગ્રુપ્સ લંડને યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સ્ટારવુડ કેપિટલ ગ્રૂપ સાથે એક સીમાચિહ્નરૂપ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું હતું, જેમાં લંડનમાં કુલ 2,053 રૂમની 10 રેડિસન બ્લુ એડવર્ડિયન મિલકતો વેચાઈ હતી. આ સોદો $1 બિલિયનનો હોવાનું અંદાજવામાં આવ્યો હતો. જો કે સિંઘે ત્રણ ફ્લેગશિપ હોટેલો મે ફેર, લંડનર અને એડવર્ડિયન માન્ચેસ્ટર જાળવી રાખી છે.

આ વર્ષની યાદીમાં એકમાત્ર નવા બિલીયોનેર તરીકે રણજીત સિંહ બોપારણ (નંબર 12) આવ્યા છે. તેમના ફૂડ બિઝનેસનું મૂલ્ય £920 મિલિયનથી વધીને £1.55 બિલિયન થઈ ગયું છે, જે £630 મિલિયનનો વધારો છે. તો એવી ત્રણ એન્ટ્રીઓ છે કે જેમણે £100 મિલિયનથી ઓછી રકમના કારણે બિલીયોનેરનો દરજ્જો ગુમાવ્યો હતો.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની, અક્ષતા મૂર્તિ (નંબર 19), જેમણે તેમની સંપત્તીના મૂલ્યાંકનમાં £200 મિલીયનનો વધારો કર્યો હતો અને કુલ સંપત્તી £920 મિલીયન ધરાવે છે. મોટા ભાગે આ વધારો અક્ષતાના પિતા એન.આર. નારાયણ દ્વારા સ્થાપવામાં આવેલી ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસના શેરના મૂલ્યમાં થયેલા વધારાને કારણે જવાબદાર છે.

યાદીમાં નોંધપાત્ર વધારો કરનારાઓમાં તરસેમ સિંઘ ધાલીવાલ (નંબર 28) છે, જેમણે ફ્રોઝન ફૂડ રિટેલર આઈસલેન્ડમાં એક સમયે તેમનો લઘુમતી શેરહોલ્ડર હતા પણ હવે તે લગભગ 50 ટકા વધાર્યો છે, જેના કારણે તેમની સંપત્તી £120 મિલીયનથી વધીને  £680 મિલીયન થઇ છે, જે £560 મિલીયનનો વધારો દર્શાવે છે.

એશિયન રિચ લિસ્ટ એ બ્રિટિશ ભાષામાં એશિયન સંપત્તિ માટેની ચોક્કસ માર્ગદર્શિકા છે જેમાં પ્રવેશ સતત દર વર્ષે વધુ સ્પર્ધાત્મક બની રહ્યો છે.. એશિયન સાહસિકોની સતત સફળતાએ આ વર્ષે પ્રવેશ માટેની લઘુત્તમ સંપત્તીનો દર £10 મિલિયનથી વધારીને £135 મિલિયન કરાયો છે. આ વર્ષની યાદીમાં બે નવા બિઝનેસમેન્સ સંજય અને કપિલ વાધવાણી સંયુક્ત સંપત્તી £155 મિલિયન સાથે  89માં સ્થાને અને મનીષ ગુડકા £145 મિલિયનની સંપત્તી સાથે 97માં સ્થાને છે.

વાધવાણી પરિવાર બ્રિટનમાં વંશીય ખાદ્યપદાર્થોના અગ્રણી છે, જેઓ સફળ હોલસેલ રીટેલનો બિઝનેસ ચલાવે છે. ગુડકાની Z હોટેલ્સે સમગ્ર લંડનમાં તેની સાઇટ્સ અને ગ્લાસગો, બાથ અને લિવરપૂલમાં ત્રણ વધારાના સ્થાનો પર બિઝનેસ અને લેઝર પ્રવાસીઓ બંને માટે અનુકૂળ, સ્ટાઇલિશ આવાસ પ્રદાન કરવા માટે પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે.

એશિયન મીડિયા ગ્રૂપના એક્ઝિક્યુટિવ એડિટર અને એશિયન રિચ લિસ્ટના પ્રકાશક શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે “એશિયન ઉદ્યોગસાહસિકો બ્રિટનમાં મોટું યોગદાન આપવાનું ચાલુ રાખે છે અને તેમના બિઝનેસીસ હવે બ્રિટિશ જીવનના દરેક પાસાઓને અસર કરે છે. કન્વીનીયન્સ રિટેલર્સ, કોમ્યુનિટી ફાર્મસીઓ અને કેર હોમ્સથી લઈને હોટેલ્સ, પ્રોડક્શન અને ફાઇનાન્સ સુધી, એશિયન સાહસિકો તેમના બિઝનેસીસને વધારવા અને વલણને આગળ વધારવા માટે નવીન રીતો શોધી રહ્યા છે. ધ એશિયન રિચ લિસ્ટ આ નોંધપાત્ર ઉદ્યોગસાહસિકોની વાર્તા કહે છે અને જણાવે છે કે મોટાભાગે અવરોધો સામે પણ ભારે સફળ બિઝનેસીસ બનાવ્યા છે. નમ્ર શરૂઆતથી સામ્રાજ્યો બનાવવાની વાર્તાઓ, તેમને આગામી પેઢી સુધી પહોંચાડવાની અને કાયમી વારસો છોડવાની, એવી બાબત છે જે વિશ્વભરમાં વખણાય છે.’’

એશિયન બિઝનેસ એવોર્ડ્સનું સંપૂર્ણ કવરેજ આવતા અઠવાડિયે તા. 22ના ગરવી ગુજરાત અને  ઈસ્ટર્ન આઈની આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવશે.

એશિયન રિચ લિસ્ટ 2024ની નકલો ખરીદવા માટે ઉપલબ્ધ છે જે માટે સૌરીન શાહનો ઇમેઇલ [email protected] દ્વારા અથવા 020 7654 7737 પર કૉલ કરી સંપર્ક કરવા વિનંતી છે.

LEAVE A REPLY