અમેરિકા પછી હવે આર્જેન્ટિનાએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી (WHO)માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. દેશના પ્રેસિડેન્ટ જેવીયર મીલેઈના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સની આરોગ્ય સંસ્થા સાથેના ગંભીર મતભેદોના કારણે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના બીજા જ દિવસે ‘WHO’માંથી અમેરિકાને બહાર રાખવાનો આદેશ આપ્યો હતો. આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટના પ્રવક્તા મેન્યુઅલ એડોર્નીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સંચાલન અંગે વિશેષમાં તો કોરોનાકાળ ઓર્ગેનાઇઝેશન સાથે સર્જાયેલા ગંભીર મતભેદોને પગલે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
‘WHO’નું વાર્ષિક બજેટ અંદાજે 6.9 બિલિયન ડોલર છે, જેની સામે આર્જેન્ટિના અત્યારે તેને 8 મિલિયન ડોલર જેટલું ભંડોળ આપે છે. આ અંગે ‘WHO’ના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓ આર્જેન્ટિના દ્વારા કરાયેલી જાહેરાતની સમીક્ષા કરી રહ્યા છે. એડોર્નીએ ઓર્ગેનાઇઝેશન પર આક્ષેપ કર્યો હતો કે, ‘WHO’ કેટલાંક દેશોના પ્રભાવમાં કામ કરે છે તેથી સ્વતંત્ર નિર્ણયો લેવાતા નથી.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)