(File picture) . (ANI Photo)
વૈશ્વિક ક્ષેત્રે પોતાની દિગ્ગજ સંગીતકાર તરીકે આગવી ઓળખ ઊભી કરનારા એ.આર. રહેમાનના દરેક ગીતમાં શ્રોતાઓ અલગ પ્રકારનો અનુભવ કરે છે. જોકે રહેમાનનું પોતાનું દામ્પત્ય જીવનમાંથી હવે સૂર વિસરાઇ ગયો છે. રહેમાનનાં પત્ની સાયરા બાનુએ ભારે હૈયે રહેમાન સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. બંને વચ્ચે સંબંધો વણસ્યા હોવાથી છૂટાછેડા અંગે ફરીથી વિચારવાની શક્યતા નથી રહી.
સાયરાના વકીલે પોતાના અસીલ તરફથી અધિકૃત નિવેદન જાહેર કર્યું છે, જેમાં આ દંપતી પરસ્પર સહમતીથી છૂટાછેડા  માટે તૈયાર હોવાનું કહેવાયું છે. આ સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, વર્ષોના દામ્પત્ય જીવન બાદ સાયરાબાનુએ ભારે હૈયે પતિ એ.આર. રહેમાનથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં અતિશય તણાવ આવી ગયા બાદ આ નિર્ણય લેવાયો છે. બંને એકબીજા માટે ઊંડો પ્રેમ ધરાવે છે, પરંતુ તેમની વચ્ચે મતભેદો એટલા વધી ગયા છે કે હવે તેમના માટે સાથે રહેવાનું શક્ય નથી. આ અંતર ઘટાડવા માટે બંનેમાંથી કોઈ સક્ષમ હોય તેમ હાલના તબક્કે જણાતું નથી. સાયરાએ અતિશય દુઃખ અને વ્યથા સાથે આ નિર્ણય લીધો છે. આવા કપરા સમયે અંગત બાબતો જળવાય તેવી તેની અપેક્ષા છે.
રહેમાન અને સાયરાના ત્રણ સંતાનો છે. જેમાં ખતિજા, રહીમા અને અમીનનો સમાવેશ થાય છે. રહેમાન અને તેમનો પરિવાર ખૂબ જ ઓછા પ્રસંગે જાહેરમાં સાથે જોવા મળ્યા છે. બોલીવૂડની ફિલ્મોમાં દર્શાવાતા પરિવારોની જેમ રહેમાન પરિવારને આદર્શ માનવામાં આવતો હતો. સાયરાની જાહેરાતથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે. લાંબા સમયથી રહેમાન અને સાયરા વચ્ચે ખટરાગ ચાલતો હોવાનું કહેવાય છે. જોકે આ અંગે વધુ વિગતો મળી નથી.
ઉલ્લેખનીય છે કે, એ આર રહેમાને 1995માં સાયરાબાનુ સાથે લગ્ન કર્યા હતા. આ એરેન્જ્ડ મેરેજ હતા. એઆર રહેમાને સિમી ગરેવાલના ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે તેની માતાએ સાયરા સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે પોતાના માટે કન્યા શોધવાનો સમય નહોતો, તેથી તેણે તેની માતાની પસંદગીની કન્યા સાથે લગ્ન કર્યા હતા. એ.આર. રહેમાન અને સાયરા બાનુના લગ્નને 29 વર્ષ થયા છે.

LEAVE A REPLY