(Photo by Tim P. Whitby/Getty Images for The Red Sea International Film Festival)

દિલ્હી હાઈકોર્ટે એક કોપીરાઇટ કેસમાં પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન અને ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ ના નિર્માતાઓને કોર્ટમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો 25 એપ્રિલે વચગાળાનો આદેશ આપ્યો હતો.

પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝ વસિફુદ્દિન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં કોપીરાઈટ ભંગનો કેસ દાખલ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, તમિલ મૂવી ‘પોન્નિયન સેલ્વન 2’ના ગીત ‘વીરા રાજા વીરા’માં તેમના પિતા અને કાકાએ કમ્પોઝ કરેલી ‘શિવ સ્તુતિ’ની બેઠી ઊઠાંતરી કરવામાં આવી છે. વિવાદી ગીતમાં માત્ર શબ્દો જ બદલાયા છે. બીટ, રીધમ, મ્યૂઝિક જેવી દરેક વસ્તુ ‘શિવ સ્તુતિ’ જેવી જ છે.

કોર્ટે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ફિલ્મનું ગીત માત્ર શિવ સ્તુતિથી પ્રેરિત હોય તેમ જણાતું નથી, પરંતુ અદ્દલ શિવ સ્તુતિ જેવું જ છે. માત્ર કોમ્પોઝિશનમાં નજીવા ફેરફાર કરી દેવાયા છે. રહેમાન અને પ્રોડક્શન કંપનીએ ડાગરના કામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી.

કોર્ટે જુનિયર ડાગર બ્રધર્સ – સ્વ. ઉસ્તાદ એન. ફૈયાઝુદ્દીન ડાગર અને સ્વ. ઉસ્તાદ ઝહીરુદ્દીન ડાગર યોગ્ય ક્રેડિટ આપવા માટે તમામ OTT અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ફિલ્મમાં એક સ્લાઇડ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો અને સ્વ. કલાકારોના પરિવારના સભ્યને ખર્ચ તરીકે 2 લાખ રૂપિયા પણ આપ્યાં હતાં.

ફૈયાઝુદ્દીન ડાગરના પુત્ર અને ઝહીરુદ્દીન ડાગરના ભત્રીજા ઉસ્તાદ ફૈયાઝ વસીફુદ્દીન ડાગરે મુકદ્દમામાં દલીલ કરી હતી કે જુનિયર ડાગર બ્રધર્સની તમામ મૂળ રચનાઓના તેમની પાસે કોપીરાઇટ છે, જેમાં ‘શિવ સ્તુતિ’નો પણ સમાવેશ થાય છે, જેનું પ્રતિવાદીઓએ ગેરકાયદેસર રીતે ઉલ્લંઘન કર્યું હતું.

LEAVE A REPLY