ભારતીય મૂળના એપલના એક્ઝિક્યુટિવ કેવન પારેખની કંપનીના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(CFO) તરીકે પહેલી જાન્યુઆરી 2025ની અસરથી નિમણૂક કરાઈ છે. અમેરિકાની આ અગ્રણી ટેકનોલોજી કંપનીમાં કેવન પારેખ હાલમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ એનાલિસિસના વાઇસ પ્રેસિડન્ટ છે અને તેઓ સીએફઓ તરીકે લુકા મેસ્ટ્રીનું સ્થાન લેશે. પારેખ એપલની એક્ઝિક્યુટિવ ટીમમાં પણ જોડાશે અને સીધા સીઈઓ ટિમ કૂકને રિપોર્ટ કરશે.
એપલ આગામી સમયગાળામાં પ્રોડક્ટ લૉન્ચ કરવાની તૈયારી કરે છે ત્યારે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું છે. કંપની આઇફોનમાં મોટા સોફ્ટવેર અપગ્રેડ કરવાની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓમાં વધારો કરવાની યોજના ધરાવે છે.
52 વર્ષીય કેવન પારેખ 11 વર્ષ પહેલાં એપલમાં જોડાયા હતાં અને ઝડપથી પોતાની જાતને કંપનીની ફાઇનાન્સ લીડરશીપ ટીમના એક અભિન્ન હિસ્સા તરીકે સ્થાપિત કરી હતી. પારેખે મિશિગન યુનિવર્સિટી (1989-1993)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ શિકાગો બૂથ સ્કૂલ ઑફ બિઝનેસ (1997-1999)માંથી MBA કર્યું છે.
એપલમાં જોડાતા પહેલા તેમણે થોમસન રોઈટર્સ અને જનરલ મોટર્સમાં કામ કર્યું હતું. આ બંને કંપનીઓમાં તેમણે ફાઈનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ, કોર્પોરેટ ટ્રેઝરર, બિઝનેસ ડેવલપમેન્ટના ડિરેક્ટર અને પ્રાદેશિક ખજાનચી સહિત વિવિધ વરિષ્ઠ નેતૃત્વના હોદ્દાઓ સંભાળ્યા હતાં.
છેલ્લા ઘણા મહિનાઓથી કેવન પારેખને તેમના વરિષ્ઠ લુકા મેસ્ટ્રી દ્વારા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)ની ભૂમિકા માટે તૈયાર કરવામાં આવ્યા હતાં.