અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને ટાળવવા માટે અગ્રણી ટેકનોલોજી કંપની એપલે કાર્ગો ફ્લાઇટ્સ ભાડે કરીને 600 ટન આઇફોન (1.5 મિલિયન ફોન) ભારતથી અમેરિકા મોકલ્યા હતાં. કંપનીએ ટેરિફને ટાળવા માટે ભારતમાં ઉત્પાદનમાં પણ વધારો કર્યો હતો અને ફટાફટ શિપમેન્ટ માટે સત્તાવાળાનો પણ પૂરો સહકાર મળ્યો હતો.
અમેરિકાની આ સ્માર્ટફોન કંપનીએ એક વિશેષ વ્યૂહરચના ઘડીને અમેરિકામાં આઇફોનનો સ્ટોક ઊભો કર્યો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારી 125 ટકા કર્યો છે. એપલ માટે ચીન મેન્યુફેક્ચરિંગ હબ છે અને એપલ ચીનમાંથી આયાત પર મોટો આધાર રાખે છે, તેથી અમેરિકામાં આઇફોનના ભાવમાં ઉછાળો થવાની ધારણા છે. ચીનની સરખામણીમાં ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદી હતી, પરંતુ પછીથી ભારતને 90 દિવસની રાહત આપી છે. ચીન સામે ટેરિફ યથાવત છે.
કંપનીની વ્યૂહરચનાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે એપલ ટેરિફને મ્હાત આપવા માગતી હતી. કંપનીએ ભારતીય એરપોર્ટ સત્તાવાળાઓને ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સ માટે જરૂરી સમય 30 કલાકથી ઘટાડીને છ કલાક કરવા માટે લોબિંગ કર્યું હતું. ચેન્નાઇ એરપોર્ટ પર કથિત ‘ગ્રીન કોરિડોર’ બનાવવામાં આવ્યો હતો અને કંપનીએ ચીનના કેટલાંક એરપોર્ટ પર ઉપયોગ થાય છે તે મોડલની નકલ કરી હતી. માર્ચ પછી પ્રત્યેક 100 ટનની ક્ષમતા સાથેના છ કાર્ગો વિમાને ઉડાન ભરી હતી. નવી ટેરિફનો પ્રારંભ થાય તે પહેલા આ સપ્તાહે એક કાર્ગો વિમાને ઉડાન ભરી હતી.
આઇફોન 14 અને તેના ચાર્જિંગ કેબલનું પેકેજ્ડ વજન આશરે 350 ગ્રામ થાય છે. આ ગણતરીએ કંપની 15 લાખ આઇફોન સાથે કુલ 600 ટનનો કાર્ગો મોકલાવ્યો હતો. આ મુદ્દે એપલ કે ભારતના એવિયેશન મંત્રાલયે કોઇ ટિપ્પણી કરી ન હતી.
ચેન્નાઇના ફોક્સકોન પ્લાન્ટમાં એપલના ફોનનું ઉત્પાદન થાય છે. ચેન્નાઇ ખાતેનો આ પ્લાન્ટ હાલમાં રવિવારે પણ ચાલુ રહે છે. આ પ્લાન્ટમાં ગયા વર્ષે આઇફોન 15 અને 16 મોડલ સહિત 20 મિલિયન આઇફોનનું ઉત્પાદન થયું હતું. ભારતમાં ફોક્સકોન અને ટાટા ગ્રુપ કંપનીના મુખ્ય સપ્લાયર છે. ભારતમાંથી અમેરિકામાં ફોક્સકોનનું શિપમેન્ટ જાન્યુઆરીમાં 770 મિલિયન ડોલર અને ફેબ્રુઆરીમાં 643 મિલિયન ડોલર રહ્યું હતું.
