ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં વિતેલા બે સપ્તાહ દરમિયાન ફાર રાઇટ અને ઈમિગ્રેશન વિરોધી હિંસા બાદ સેંકડો જાતિવાદ વિરોધી પ્રચારકો ગત શનિવારે ઇંગ્લેન્ડમાં 100 કરતા વધુ સ્થળોએ યોજાયેલા જાતિવાદ વિરોધી દેખાવોમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દેશભમાં કુલ 700થી વધુ લોકોની ધરપકડ કરી ચૂકી છે.
રાજા કિંગ ચાર્લ્સે યુકેના હિંસક રમખાણો પછી એકતાનું આહ્વાન કરી સમુદાયે કરેલી મહેનતની પ્રસંશા કરી વડા પ્રધાન સ્ટાર્મર તથા પોલીસ વડાઓ સાથે વાત કરી હતી. દેશબરમાં હજારો પોલીસની હાજરીમાં યોજાયેલ તમામ રેલીઓ શાંતિપૂર્ણ રહી હતી. શનિવારે ઓક્સફર્ડ, પોર્ટ્સમથ, વેમથના સિટી સેન્ટરમાં રેલીઓ કાઢવામાં આવી હતી.
બીજી તરફ યુકેના રમખાણોમાં સામેલ થયેલા તોફાનીઓને જેલની સજા અને કોમ્યુનિટી વર્ક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે તોફાનીઓ સામે લગભગ 100 આરોપો લગાવ્યા છે અને બાકીના લોકો સામે વધુ તપાસ બાકી રાખી જામીન પર મુક્ત કર્યા છે. આગામી દિવસોમાં તેમને ગીલ્ટી પ્લી દાખલ કરવા અથવા તેમની નિર્દોષતા સાબિત કરવા કોર્ટમાં હાજર થવા કહેવાશે.
તા. 7ને બુધવારે સાંજે સમગ્ર લંડન અને અન્ય શહેરોમાં ઇમિગ્રેશન વકીલો અને એજન્સીઓને નિશાન બનાવતી અનેક ફાર રાઇટ રેલીઓ હજારો પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીને કારણે સફળ થઇ ન હતી. પણ તેમની સામેની રેસીઝમ વિરોધી રેલીઓ સફળ થઇ હતી. 1,000થી વધુ અધિકારીઓને રાજધાની લંડનમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ હિંસક અપરાધીઓની ધરપકડ કરવા ગુરુવારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા.
વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ધરપકડ કરાયેલા મોટા ભાગના લોકો સામે હિંસક તોફાનો સંલગ્ન વિવિધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે અને વચન મુજબ ફાસ્ટ-ટ્રેક સજા માટે અદાલતોમાં હાજર કરાઈ રહ્યા છે.
સાઉથ ઇંગ્લેન્ડના પોર્ટ્સમથમાં સૌથી મોટા ઇમિગ્રેશન વિરોધી દેખાવોમાં 200 લોકોએ શહેરના ફેરી પોર્ટની બહાર, માઇલ એન્ડ રોડને અવરોધિત કર્યો હતો. જ્યારે સાઉધમ્પ્ટનમાં 400 લોકોએ ‘રેસીસ્ટ ગો બેક’ના નારા સાથે 50 વિરોધીઓનો સામનો કર્યો હતો. એલ્ડરશોટમાં 100 રેસીસ્ટ વિરોધી દેખાવકારોએ લગભગ 50 ઇમિગ્રેશન વિરોધીઓની ઝુંબેશનો સામનો કર્યો હતો. તો 160 લોકો બોર્નમથમાં એસાયલમ સિકર્સને રાખતી રાઉન્ડહાઉસ હોટેલની બહાર એકઠા થયા હતા. વેમથમાં રવિવારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. અફવાઓને પગલે ઓક્સફર્ડમાં, “શરણાર્થીઓનું સ્વાગત છે” તેવા પ્લેકાર્ડ ધરાવતા કેટલાય લોકોએ મેગડાલેન રોડ સ્થિત એસાયલમ વેલકમ ઓફિસની બહાર સમર્થન આપતા “શાંતિપૂર્ણ”દેખાવો કર્યા હતા.
દરમિયાન, સાઉથપોર્ટ હુમલામાં ઘાયલ 10 અન્ય લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.